ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા છેલ્લા 4 મહિનામાં ચોથી વખત લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે છે. આજે શિબિરના પ્રથમ દિવસે લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જિલ્લા પ્રમુખ પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. બપોરે 3 વાગે રાહુલ ગાંધી દૂધ સંઘના સભાસદો સાથે સંવાદ કરશે. રાહુલ ગાંધીના એક દિવસીય પ્રવાસમાં રાહુલ ગાંધી આણંદમાં નવ નિયુક્ત જિલ્લા પ્રમુખો અને ગુજરાતના નવ નિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે મુલાકાત કરશે. જિલ્લાઓમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા રાહુલ ગાંધી નવ નિયુક્ત જિલ્લા પ્રમુખોને તાલીમ આપશે. તેમજ પ્રદેશ સંગઠનમાં નવા ફેરફારને લઈને પણ નેતાઓ સાથે બેઠક કરશે.
રાહુલ ગાંધીએ આણંદના અંધારીયા ચકલા નજીક આવેલ નિજાનંદ રિસોર્ટમાં આયોજિત પ્રશિક્ષણ શિબિરનું ઉદ્ઘાટન કર્યું હતું. તેઓ ચાર કલાક જેટલો સમય નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે વિતાવી તેમને માર્ગદર્શન આપશે. આ પ્રશિક્ષણ શિબિરમાં સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ, મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી મુકુલ વાસનીક, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સહિત પ્રદેશ કોંગ્રેસ અને આણંદ કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે.
શિબિર અંગે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, કોંગ્રેસ દ્વારા ત્રણ દિવસીય તાલીમ શિબિરનું આયોજન કર્યું છે. આ તાલીમ શિબિરમાં જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોને તાલીમ આપવામાં આવશે. કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, જનયોદ્ધા અને વિરોધ પક્ષના નેતા રાહુલ જી અને તમામ વરિષ્ઠ નેતાઓ તેનું ઉદ્ઘાટન કરવા માટે અહીં હાજર રહેશે. ત્રણ દિવસમાં તાલીમ પામેલા શહેર અને જિલ્લા પ્રમુખો પોતપોતાના વિસ્તારોમાં જશે અને ત્યાંની તાલુકા સમિતિઓને મજબૂત બનાવશે. રાહુલજી એ હકીકત માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે કે કોંગ્રેસ તેની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ રહીને અને સંગઠનને મજબૂત બનાવીને લોકોના અધિકારો માટે લડે.
રાહુલ ગાંધી સામે કોંગ્રેસ કાર્યકરે બળાપો કાઢ્યો
ગુજરાતમાં કોંગ્રેસની સરકાર લાવવા જીવ દેવા પણ તૈયાર, 35 વર્ષથી લડું છું, પણ મોટા નેતાઓ રોકે છે: મિતેશ પરમાર
આજે સવારે રાહુલ ગાંધીનું વડોદરા એરપોર્ટ પર આગમન થયું હતું અને અહીંથી આણંદ ખાતેના કાર્યક્રમમાં જવા રવાના થયા હતા. એરપોર્ટની બહાર રાહુલ ગાંધી આવતા એક કોંગ્રેસ કાર્યકર્તાએ મિતેશ પરમારે તેઓની ગાડીની આગળ આવી ‘રાહુલ ગાંધી તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ’ તેવા નારા જોરશોરથી લગાવ્યાં હતાં. આ ઉપરાંત તેણે રાહુલ ગાંધીને કંઈક રજૂઆત કરી હતી જે બાદ રાહુલે તેનું કાર્ડ પણ લીધું હતું.
આ અંગે મીડિયાએ મિતેશ પરમાર સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, મને પૂરો વિશ્ર્વાસ હતો કે રાહુલ ગાંધી જ્યારે મને જોશે ત્યારે મને અવશ્ય બોલાવશે. અગાઉ પણ મને મળવા માટે બોલાવ્યો હતો. અગાઉ વડોદરા આવ્યા હતા ત્યારે પોલીસે મને રોકી દીધો હતો. ઘણા સમયથી તેઓને હું મળી શક્યો ન હતો. મને આજે બહુ આશા હતી કે, હું તેઓને મળું. હું નારા લગાવતો હતો કે, રાહુલ ગાંધીજી તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. આ નારો બોલતા જ તેઓએ મને બોલાવ્યો હતો.
મિતેશ પરમારે જણાવ્યું કે, જ્યારે વડોદરામાં વડાપ્રધાન આવે કે મુખ્યમંત્રી આવે ત્યારે મારા ઘરને પોલીસ ઘેરી લે છે. પોલીસ મને પરેશાન કરે છે, મારી નોકરી-ધંધો બધું જતું રહ્યું છે, તેવી રજૂઆત કરી હતી. જેમાં રાહુલજીએ મને કહ્યું કે, ડરો મત, મેં તુમ્હારે સાથ હું… તેઓને આંદોલન યોગ્ય રીતે નથી થતા તે બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી. મારે મોટું આંદોલન કરવું છે, પરંતુ બધા મોટા નેતાઓ આંદોલન કરવા દેતા નથી. ગુજરાતમાં- વડોદરામાં કોંગ્રેસની સત્તા લાવવા માગું છું અને હું તે માટે 35 વર્ષથી લડી રહ્યો છું.
મિતેશ પરમારે જણાવ્યું કે, જ્યારે વડોદરામાં વડાપ્રધાન આવે કે મુખ્યમંત્રી આવે ત્યારે મારા ઘરને પોલીસ ઘેરી લે છે. પોલીસ મને પરેશાન કરે છે, મારી નોકરી-ધંધો બધું જતું રહ્યું છે, તેવી રજૂઆત કરી હતી. જેમાં રાહુલજીએ મને કહ્યું કે, ડરો મત, મેં તુમ્હારે સાથ હું… તેઓને આંદોલન યોગ્ય રીતે નથી થતા તે બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી. મારે મોટું આંદોલન કરવું છે, પરંતુ બધા મોટા નેતાઓ આંદોલન કરવા દેતા નથી. ગુજરાતમાં- વડોદરામાં કોંગ્રેસની સત્તા લાવવા માગું છું અને હું તે માટે 35 વર્ષથી લડી રહ્યો છું.