નાયબ કલેકટરે મધ્યાહન ભોજનની ગુણવત્તા ચકાસી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
નાયબ કલેકટર એચ.ટી. મકવાણાએ મુળી તાલુકાના ગઢાદ અને દિગસર ગામોની અચાનક મુલાકાત લીધી હતી. તેમણે બંને ગામોની શાળાઓ અને ગ્રામ પંચાયતોનું નિરીક્ષણ કર્યું હતું. નાયબ કલેકટરે શાળાઓમાં ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓને ગણિત, અંગ્રેજી અને વિજ્ઞાનના પ્રશ્નો પૂછીને શિક્ષણની ગુણવત્તાની ચકાસણી કરી હતી. તેમણે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત આપવામાં આવતા ભોજનની ગુણવત્તા પણ તપાસી હતી. શાળા નિરીક્ષણ દરમિયાન તેમણે શિક્ષકોની હાજરી સ્માર્ટ એટેન્ડન્સ એપ દ્વારા પૂરવામાં આવે છે કે કેમ તેની ચકાસણી કરી હતી. તેમણે મધ્યાહન ભોજન યોજનામાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ મેનુ મુજબ ભોજન અને નાસ્તો આપવામાં આવે છે કે કેમ તેની પણ તપાસ કરી હતી. નાયબ કલેકટરે તમામ શિક્ષકોને વિદ્યાર્થીઓ સાથે ભોજન લેવા સૂચના આપી હતી. તેમણે મધ્યાહન ભોજન યોજનાનો જથ્થો માત્ર સ્ટોર રૂમમાં જ રાખવા અને બહાર કોઈ સ્થળે ન રાખવા સૂચના આપી હતી.
- Advertisement -
ગ્રામ પંચાયતોની મુલાકાત દરમિયાન તેમણે તલાટી કમ મંત્રીની એપેન્ડિક્સ-એ તથા સામાન્ય દફતરની તપાસણી કરી હતી. તેમણે વિવિધ રજિસ્ટરોની ચકાસણી કરી હતી જેમાં ગામ નમૂના નંબર 1 (ખેતીવારી પત્રક), ગામ નમૂના નંબર 8(ક) (શિક્ષણ ઉપકર), ગામ નમૂના નંબર 9 (રોજમેળ તથા પહોંચનું પત્રક), ગામ નમૂના નંબર 10 (ચલણ), ગામ નમૂના નંબર 14 (જન્મ-મરણ રજિસ્ટર), ગામ નમૂના નંબર 14(ડ) (ઢોરોનું રજિસ્ટર), ગામ નમૂના નંબર 17 (આવક-જાવક રજિસ્ટર) અને ગામ નમૂના નંબર 18 (સરક્યુલર ફાઇલ) નો સમાવેશ થાય છે.
નાયબ કલેકટરે તલાટી કમ મંત્રીઓને આગામી ચોમાસાની ઋતુમાં હેડક્વાર્ટરમાં ફરજિયાત હાજર રહેવા અને લોકોના સંપર્કમાં રહી દરેક પળના સમાચાર મેળવવા સૂચના આપી હતી. કોઈ પણ મહત્વના સમાચાર મળતાં તે અંગે તાત્કાલિક રિપોર્ટ કરવા પણ જણાવ્યું હતું.