જુલાઈમાં મહત્તમ વરસાદ થતો હોય છે પણ અત્યાર સુધી ‘ઓછો’
છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં હળવો – નોંધપાત્ર વરસાદ : પાંચેય ઝોનમાં સિઝનનુ સરેરાશ 50 ટકા પાણી વરસી ગયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતમાં એકાદ પખવાડિયાથી મેઘરાજાનું જોર ધીમુ પડી ગયુ છે. છુટાછવાયા-અમુક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ સિવાય મોટાભાગે માત્ર ઝાપટા જ વરસી રહ્યા છે. રાજયમાં ચોમાસાનું આગમન વ્હેલુ થઈ ગયુ હતું એટલે જુનમાં જ સરેરાશ 12 ઈંચ વરસાદ ખાબકી પડયો હતો તેની સામે જુલાઈને 20 દિવસમાં તેનાથી અર્ધો જ સાડા છ ઈંચ વરસાદ જ થયો છે.
સામાન્ય રીતે જુલાઈમાં મહતમ વરસાદ થતો હોય છે. ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યાના સંકેત હોય તેમ આજે સવારે પુરા થયેલા ચોવીસ કલાકમાં ત્રણ-ચાર સેન્ટરોમાં ચાર-ચાર ઈંચ સુધીનો વરસાદ થયો હતો. રાજયના 29 જીલ્લાના 141 તાલુકામાં વરસાદ થયો હોવા છતાં મોટાભાગે હળવો જ હતો.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રીપોર્ટ પ્રમાણે જૂન મહિનામાં રાજયમાં સરેરાશ 303.09 મીમી (12 ઈંચ) વરસાદ નોંધાયો હતો. જુલાઈમાં સૌથી વધુ વરસાદ થતો હોય છે. પરંતુ ચાલુ મહિનાના અત્યાર સુધીના 20 દિવસમાં માત્ર 167.73 મીમી (સાડા છ ઈંચ) જ વરસાદ થયો છે.
મહિનાના દસ દિવસ બાકી છે જયારે સાર્વત્રિક વરસાદ થાય છે કે કેમ તે જોવાનુ રહે છે. અન્યથા રાજયમાં જુલાઈના વરસાદમાં ખાધ જોવા મળે તો નવાઈ નહીં ગણાય. જો કે, હવામાનખાતાના સૂત્રોના કહેવા પ્રમાણે આવતા દિવસોમાં પશ્ર્ચીમ બંગાળની સિસ્ટમના પ્રભાવ હેઠળ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે.
- Advertisement -
ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ વરસાદ અર્ધાથી વધુ વરસી ગયો હોવાથી સંતોષકારક જ ગણી શકાય છે. આજની સ્થિતિએ ગુજરાતમાં સરેરાશ 470.82 મી.મી. (19 ઈંચ) વરસાદ થઈ ગયો છે. રાજયમાં સરેરાશ 881.84 મીમી પાણી વરસતુ હોય છે તેની સામે 53.39 ટકા વરસાદ થઈ ગયો છે.
રાજયમાં ઝોનવાઈઝ સૌથી વધુ 63.35 ટકા વરસાદ કચ્છમાં થયો છે. દક્ષિણ ગુજરાત બીજા ક્રમે છે અને સરેરાશ 56.32 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 52.66 ટકા, ઉતર ગુજરાતમાં 52.48 ટકા તથા મધ્ય ગુજરાતમાં 50.06 ટકા વરસાદ થયો છે. રાજયના પાંચેય ઝોનમાં 50 ટકાથી વધુ વરસાદ થઈ જ ગયો છે.
મહત્વની વાત એ છે કે રાજયભરમાં એકમાત્ર હારિજ તાલુકાને બાદ કરતા અન્ય તમામ 250 તાલુકામાં સરેરાશ પાંચ ઈંચ કરતા વધુ વરસાદ થઈ ગયો છે. 18 તાલુકામાં તો અત્યાર સુધીમાં 40 ઈંચ કરતા પણ વધુ વરસાદ છે. જયારે 55 તાલુકામાં 20થી40 ઈંચ સુધીનો 141 તાલુકામાં 10થી20 ઈંચ સુધીનો વરસાદ થયો છે.