જાહેર વહીવટમાં નાણાકીય શિસ્ત જળવાય એ માટે જાહેર હિસાબ સમિતિ કટિબદ્ધ-જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.19
બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ એવાં દેવાધિદેવ સોમનાથ મહાદેવ સમક્ષ જાહેર હિસાબ સમિતિના સભ્યોએ શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી.
સોમનાથના પંડિતો દ્વારા જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિત તમામ સભ્યોનું ટ્રસ્ટ દ્વારા ઓમ નમ: શિવાય લખેલા ઉપવસ્ત્ર અને પ્રસાદી દ્વારા સ્વાગત-અભિવાદન કરવામાં આવ્યું હતું. જાહેર હિસાબ સમિતિના સભ્યોએ ગંગાજળનો જળાભિષેક કરી ભગવાન સોમનાથનું પૂજન-અર્ચન કર્યું હતું.
જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને સભ્યોએ મંદિર પરિસરમાં આવેલ શ્રી હમીરજી ગોહિલની ખાંભીએ નમન કરી તેમની શહાદતનું સ્મરણ કર્યું હતું. તેમજ ગણપતિ અને હનુમાનજી મહારાજના પણ દર્શન કર્યા હતાં.
જાહેર હિસાબ સમિતિના સભ્યોની સોમનાથ મુલાકાત દરમિયાન જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહિર, જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાય, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, અગ્રણી ડો. સંજયભાઈ પરમાર, માનસિંહભાઈ પરમાર સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.