સરકારનું મેદસ્વીતા ઘટાડવા 1 કરોડ કિલો વજન ઘટાડવાનું લક્ષ્ય!
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.16
- Advertisement -
મેદસ્વીતા (જાડાપણું) એ હવે વૈશ્વિક સમસ્યામાંથી ભારતીય સમસ્યા બની રહી છે, અને સરકાર દેશમાં ’મોટાપા’ના સંકટ અંગે ચિંતિત છે. છેલ્લા બે દાયકામાં ભારતમાં જાડા લોકોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે, જેમાં બાળકો પણ તેનો ભોગ બની રહ્યા છે. ’ધ લેન્સેટ’માં પ્રકાશિત એક લેખ મુજબ, 2022માં ભારતમાં 1.25 કરોડ પાંચથી નવ વર્ષના બાળકો વધુ પડતી ચરબીની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. ફાસ્ટફૂડ અને મોબાઈલ કલ્ચર આ સમસ્યામાં વધારો કરી રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ગુજરાત સરકારે હવે તેના નાગરિકોનું વજન ઘટાડવામાં દેશમાં મોડેલ બનવાની તૈયારી કરી છે. ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં જાડાપણું અને ચરબી ઘટાડવા માટે એક વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આ ઝુંબેશમાં ધારાસભ્યોને પણ જોડવામાં આવશે.
ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં યોગ બોર્ડના ચેરમેન શિશુપાલ રાજપૂતે જણાવ્યું હતું કે, વિધાનસભા ક્ષેત્ર મુજબ યોગ સેન્ટર વિસ્તારવામાં આવશે, જેમ મતદાન બુથ હોય છે. ચરબીની સમસ્યાથી પીડાતા લોકોને યોગ સહિતની શારીરિક કવાયતમાં જોડીને વજન ઘટાડવા ઉપરાંત સ્વાસ્થ્ય સંબંધી મહત્વપૂર્ણ ઉપાયો પણ સૂચવવામાં આવશે. આ માટે ધારાસભ્યોને પણ સાંકળવામાં આવશે, જેઓ પોતાના મત વિસ્તારના લોકોને જાણે છે. પ્રારંભિક તબક્કામાં પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, ધ્રાંગધ્રાના પ્રકાશ વરમોરા, રાજકોટના રમેશભાઈ ટીલાળા ઉપરાંત ડો. દર્શિતાબેન શાહ (જેઓ પોતે નિષ્ણાત તબીબ છે) ને પણ આ આયોજનમાં જોડવામાં આવ્યા છે. ડો. દર્શિતાબેન શાહે આ આયોજનને આવકાર્યું હતું અને તેને ગ્રામીણ સ્તર સુધી લઈ જવાની તૈયારી કરવામાં આવી છે.
‘મેદસ્વીતા મુક્ત ગુજરાત’ ઝુંબેશ
વિગત માહિતી
યોજક ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ
મુખ્ય લક્ષ્ય 10 લાખ લોકોનું સરેરાશ 10 કિલો વજન ઘટાડીને કુલ 1 કરોડ
કિલો વજન ઘટાડવું કેન્દ્રબિંદુ મેદસ્વીતા ઘટાડવી, કમરના ઘેરાવા પર પ્રાધાન્ય, યોગ અને શારીરિક કવાયતો
અમલીકરણ વિધાનસભા મત વિસ્તાર મુજબ યોગ સેન્ટરો, ધારાસભ્યોને સાંકળીને લોક સંપર્ક, ચાર તબક્કાનું આયોજન
સહાય આયુર્વેદિક માર્ગદર્શન
પ્રારંભિક ટીમ અર્જુન મોઢવાડિયા (પોરબંદર), પ્રકાશ વરમોરા (ધ્રાંગધ્રા), રમેશભાઈ ટીલાળા (રાજકોટ), ડો. દર્શિતાબેન શાહ (રાજકોટ – તબીબ)
વિશેષ ફાસ્ટફૂડ અને મોબાઈલ કલ્ચરથી વધતી મેદસ્વીતા સામે લડત, બાળકોમાં વધતા જાડાપણા પર ધ્યાન
મુખ્ય લક્ષ્ય:
10 લાખ જાડા લોકોનું સરેરાશ 10 કિલો વજન ઘટાડવું.
આમ, ગુજરાતનું કુલ 1 કરોડ કિલો વજન ઘટાડવાનું આયોજન.
કમરના ઘેરાવા પર વિશેષ ધ્યાન.
ચાર તબક્કાનું આયોજન:
ચરબીની સમસ્યાથી પીડાતા લોકોનો સંપર્ક કરીને વજન ઘટાડવાનું મહત્વ સમજાવવું.
તેઓને યોગ કેમ્પ કે નિયમિત શિબિરમાં હાજરી આપવા પ્રેરિત કરવા.
તેમનો રેકોર્ડ બનાવી, વધુને વધુ લોકોને યોગ પ્રક્રિયા અને શારીરિક પ્રવૃત્તિમાં જોડવા.
આયુર્વેદ સહિતની સહાયતા પણ પૂરી પાડવી.



