સાંસદ રૂપાલાની અધ્યક્ષતામાં એરપોર્ટ એડવાઇઝરી કમિટીની બેઠક મળી
જુલાઈના અંતમાં મંજૂરી મળી જશે, વાઈ-ફાઈ સુવિધા પણ શરૂ કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મંગળવારે એરપોર્ટ એડવાઇઝરી કમિટીની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. સાંસદ પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં એરપોર્ટ પર સુવિધાના જુદા જુદા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહએ જણાવ્યું હતું કે, રાજકોટ એરપોર્ટ પર ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી કાર્ગો સેવા શરૂ થઇ શકે છે. જુલાઈના અંત સુધીમાં કાર્ગો માટે મંજૂરી મળી જશે. માસાંત સુધીમાં વાઈ-ફાઈ સુવિધા પણ શરૂ થશે. બેઠક દરમિયાન યાત્રીઓની સુવિધાઓ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વાઇ-ફાઇ, મોબાઇલ નેટવર્ક કનેક્ટિવિટી, કાર પાર્કિંગ અને કાર્ગો કામગીરી જેવા મહત્ત્વપૂર્ણ વિષયોનો સમાવેશ થાય છે.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાહએ બેઠકમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, એરપોર્ટ પર વાઇ-ફાઇની સુવિધા 31 જુલાઈ, 2025થી ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, તેમણે કાર્ગો કામગીરી અંગે પણ મહત્વપૂર્ણ અપડેટ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (ઇઈઅજ), અમદાવાદના રિજનલ ડિરેક્ટર 18 જુલાઈએ એરપોર્ટની મુલાકાત લેવાના છે. આ મુલાકાત પેસેન્જર ટર્મિનલ દ્વારા કાર્ગો કામગીરીની સુરક્ષા તપાસ માટેની છે.
ડિરેક્ટરે આશા વ્યક્ત કરી હતી કે, જુલાઈના અંત સુધીમાં કાર્ગો કામગીરી માટે મંજૂરી મળી જશે અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી કાર્ગો સેવાઓ શરૂ થવાની સંભાવના છે. આનાથી રાજકોટ અને આસપાસના વિસ્તારના ઉદ્યોગો અને વેપારીઓને મોટો ફાયદો થશે. આ બેઠક રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યાત્રી સુવિધાઓ અને વ્યાપારી કામગીરીને વધુ સુદૃઢ બનશે જે રાજકોટને હવાઈ પરિવહન ક્ષેત્રે વધુ સશક્ત બનાવશે. આ બેઠકમાં રાજ્યસભાના સંસદસભ્યો રામભાઈ મોકરિયા અને કેસરીદેવસિંહ ઝાલા, રાજકોટના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.