બાળકોની સમસ્યાઓ પર આધારિત વિશિષ્ટ કથા!
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતી સિનેમામાં કોમર્શિયલ, કોમેડી, હોરર કે લવ સ્ટોરી જેવી ફિલ્મોનું પ્રભુત્વ રહ્યું છે, ત્યારે બાળકોને કેન્દ્રમાં રાખીને બનેલી ફિલ્મોની સંખ્યા મર્યાદિત છે. આ સમયે, દિવ્યતક્ષ ફિલ્મ્સ અને ફનકાર ફિલ્મ્સના નિર્માણમાં બનેલી અને દીપક પરમાર દ્વારા પ્રોડ્યુસ કરાયેલી ગુજરાતી ફિલ્મ ’ચાતર’ એક અલગ જ વિષય અને હેતુ સાથે દર્શકો સમક્ષ આવી રહી છે. વિશ્વ ફલક પર વિવિધ ફેસ્ટિવલ અને સ્પર્ધાઓમાં સ્ક્રીનિંગ અને એવોર્ડ્ઝ મેળવી ચૂકેલી આ ફિલ્મ 18 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. લેખક વિનોદ પરમાર અને આસિફ અજમેરીએ ‘ચાતર’ ફિલ્મની કથા રજૂ કરી છે, જ્યારે વિનોદ પરમારે તેનું દિગ્દર્શન કર્યું છે. આ ફિલ્મ એક બાળકના જીવનની તકલીફો, સામાજિક દૂષણો અને તેની સમસ્યાઓના નિરાકરણ પર આધારિત છે. ફિલ્મ એવો સંદેશ આપે છે કે, આવા સંજોગોમાં શિક્ષકની ભૂમિકા માર્ગદર્શક તરીકે અત્યંત અગત્યની હોય છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં મૌલિક નાયક, કૌશાંબી ભટ્ટ, અને બાળ કલાકાર હિરણ્ય ઝીંઝુવાડીયા છે. સહ કલાકારો તરીકે આશી પટેલ, કબીર દૈયા, પ્રિયંકા પટેલ, ભાવિની ચૌહાણ, શ્વેતા પટેલ, અલ્પેશ ટાંક, ધારેશ શુક્લ, શંકર સિંહ અને ચેતન છાયાએ અભિનય કર્યો છે. ફિલ્મના લોકપ્રિય ગીત ‘જાહોજલાલી’ માટે રાજકોટના બાળ કલાકાર હર્ષિવ કોટેચાએ સ્વર આપ્યો છે, જ્યારે “મૂંગા જવાબો” ગીતને આમિર મીરએ ગાયું છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન
‘ચાતર’ ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સન્માન મળ્યું છે. તેનું ચાર વખત સ્ક્રીનિંગ જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે થયું છે. બાળકો માટે બનતી ફિલ્મોના ફેસ્ટિવલ સિફીસીમાં પણ તેનું સ્ક્રીનિંગ થયું છે, અને વિશ્વ પ્રસિદ્ધ કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ તેનું ડિજિટલ સ્ક્રીનિંગ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત, ફિલ્મે અનેક એવોર્ડ પણ જીત્યા છે. સમગ્ર ગુજરાતમાં આગામી 18 જુલાઈએ આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે, ત્યારે કોમર્શિયલ ફિલ્મો વચ્ચે ’ચાતર’ એક અલગ છાપ છોડીને દર્શકોના હૃદયમાં સ્થાન મેળવશે તેવી ફિલ્મના નિર્માતા અને સમગ્ર ટીમને અપેક્ષા છે.