ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કેસની પ્રાપ્ત હકીકતો મુજબ વિંછીયાના રહેવાસી ફરિયાદી મોહનભાઈ લીંબાભાઈ રોજાસરાએ રાજકોટ ગ્રામ્યના વિંછીયા પોલીસ સ્ટેશનમાં તા. 30-4-2024ના રોજ આરોપીઓ ખારચીયા ગામના રહેવાસી તેમની મરણ જનાર દીકરીના પતિ રમેશભાઈ વજાભાઈ ગોહિલ તથા સાસુ ઉગરીબેન વા-ઓ. વજાભાઈ ગોહિલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 108, 85, 54 મુજબની ફરિયાદ નોંધાવેલી હતી.
ફરિયાદી મોહનભાઈ રોજાસરાએ પોતાની ફરિયાદમાં એવી હકીકત જણાવેલી હતી કે તેઓની મરણ જનાર દીકરીએ આરોપી રમેશભાઈ વજાભાઈ ગોહિલ સાથે મનમેળ થઈ જતાં જ્ઞાતિના રીત-રિવાજ મુજબ લગ્ન કરેલા હતા. ફરિયાદીની ફરિયાદ મુજબ લગ્નના એક વર્ષની અંદર તેઓની દીકરીને ડાયાબિટીસની બીમારી હોય જેની સારવારનો ખર્ચ સાસરાપક્ષને ભોગવવો પડતો હોય તેઓની દીકરીને પતિ રમેશભાઈ તેમજ સાસુ ઉગરીબેન મેણાટોણા મારવા લાગેલા અને અસહ્ય શારીરિક તથા માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા. અંતિમવાર જ્યારે તેઓની દીકરી રિસામણે આવેલી ત્યારે દીકરીની સાસરે પાછુ જવાની ઈચ્છા ન હતી તેમ છતાં તેને સમજાવી અને ફરિયાદીએ તેણીને સાસરે મોકલી આપેલી હતી, ત્યારબાદ ફરી મરણ જનાર દીકરીના સાસરાપક્ષ દ્વારા ફરી શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવેલો હતો, જેથી કંટાળી અને દીકરીએ પોતાના સાસરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધેલો હતો. ઉપરોક્ત ફરિયાદના કામે આરોપી ઉગરીબેન વા.-ઓ. વજાભાઈ ગોહિલને બનાવ બન્યા બાદ તુરત જ અટક કરવામાં આવેલા હતા. આરોપી ઉગરીબેન વજાભાઈ ગોહિલે તેમના તરફે રોકાયેલા એડવોકેટ અંશ ભારદ્વાજ મારફતે નામદાર સેશન્સ કોર્ટમાં ફરિયાદના કામે ચાર્જશીટ પહેલા જામીન પર છૂટવા માટેની રેગ્યુલર જામીન અરજી કરેલી હતી.
- Advertisement -
આરોપી ઉગરીબેન વા.-ઓ. વજાભાઈ ગોહિલના અરજદાર પક્ષે એડવોકેટ અંશ ભારદ્વાજે દલીલ કરતાં જણાવેલું હતું કે અરજદાર મરણ જનારના સાસુ છે તથા 50 વર્ષની ઉંમરની મહિલા છે. વધુમાં અરજદાર પક્ષ દ્વારા દલીલ કરવામાં આવેલી હતી કે ફરિયાદ બે દિવસ મોડી કરેલી છે, સાસરી અને પિયર એક જ ગામમાં છે જેથી મરણ જનારને બીજે જવાનો વિકલ્પ ન હોય તે વાત માની શકાય તેમ નથી, જેથી ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 લાગુ પડી શકે નહીં. વધુમાં અરજદાર પક્ષ દ્વારા દલીલ કરવામાં આવેલ હતી કે મરણ જનાર અને તેઓના પતિ વચ્ચે પ્રેમલગ્ન થયેલા છે જેથી મરણ જનારના લગ્ન પહેલાથી જ મરણ જનારની ડાયાબિટીસની બીમારીની હકીકતથી સાસરા પક્ષ સારી રીતે વાકેફ હતા જેથી બીમારી અંગે સાસરા પક્ષ મેણાટોણા મારતા હોય તે હકીકતને માની શકાય તેમ નથી અને તેના કારણે સાસરા પક્ષે મરણ જનારને આપઘાત કરવા પર મજબૂર કરેલ હોય તેવી પણ હકીકત માની શકાય તેવી નથી.
બંને પક્ષોની વિગતવારની દલીલો સાંભળ્યા બાદ બચાવપક્ષ દ્વારા કરવામાં આવેલી દલીલ તથા રજૂ કરવામાં આવેલા વડી અદાલતોના વિવિધ ચૂકાદાઓને માન્ય રાખીને રાજકોટના એડિશનલ સેશન્સ જજ વી. એ. રાણાની કોર્ટે આરોપીને શરતોને આધિન જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલો હતો. આ કામના આરોપી ઉગરીબેન વા.-ઓ. વજાભાઈ ગોહિલ તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્ડ એસોસિએટ્સના અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયસ શુક્લ, ચેતન પુરોહિત, દિશા ફળદુ, મિહિર શુક્લ વિગેરે
રોકાયેલા હતા.