શહેર ટ્રાફિક પોલીસે 20 સ્પીડગન વડે શહેરી વિસ્તારોમાં પણ કાર્યવાહી શરૂ કરી, નિયમભંગ કરનારાઓને ઈ-મેમો મોકલાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં જો તમે પૂરપાટ ઝડપે વાહન ચલાવી રહ્યા છો, તો સાવધાન રહેજો! રાજકોટ શહેર ટ્રાફિક પોલીસે હવે હાઈવે બાદ શહેરી વિસ્તારોમાં પણ ઓવરસ્પીડિંગ કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાત પોલીસ દ્વારા રાજકોટ શહેર પોલીસને કુલ 20 સ્પીડગન ફાળવવામાં આવી છે, જેનો ઉપયોગ કરીને શહેરભરમાં પૂરપાટ ઝડપે વાહન ચલાવતા ચાલકો સામે ઓવરસ્પીડિંગના કેસ કરવામાં આવી રહ્યા છે. નિયમભંગ કરનારા વાહનચાલકોને પ્રથમ વખત રૂ. 2000 અને ત્યાર બાદ રૂ. 3000નો ઈ-મેમો મોકલી આપવામાં આવે છે. આ મેમો 90 દિવસમાં ભરપાઈ કરવાનો રહે છે, અને જો ચાલક દંડ ભરપાઈ ન કરે તો કોર્ટ દ્વારા તેની વસૂલાત કરવામાં આવે છે. નોંધનીય છે કે, રાજકોટ શહેર પોલીસે છેલ્લા એક મહિનામાં માત્ર રાજકોટ શહેરમાં જ લિમિટ કરતાં વધુ સ્પીડથી વાહન ચલાવતા હોય તેવા 4,125 ચાલકો સામે સ્પીડગન મારફત મેમો તૈયાર કરી, કુલ રૂ. 95.45 લાખનો દંડ ફટકાર્યો છે. ટ્રાફિક પોલીસે ઓવરસ્પીડિંગ સામે લાલ આંખ કરતા શહેરીજનોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવું હિતાવહ છે, જેથી દંડથી બચી શકાય અને માર્ગ સલામતી પણ જળવાઈ રહે.
- Advertisement -
જાન્યુઆરીથી જૂન 2025 સુધીમાં 5.91 કરોડનો દંડ ફટકાર્યો
રાજકોટ શહેર ટ્રાફિક-પોલીસ દ્વારા જાન્યુઆરી 2025થી જૂન 2025 સુધીમાં ટ્રાફિક નિયમન ઉલ્લંઘન બદલ કુલ 5.91 કરોડનો દંડ રાજકોટવાસીઓને ફટકારવામાં આવ્યો છે, જેમાં સૌથી વધુ કેસ હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતા 20,170 વાહનચાલક સામે કાર્યવાહી કરી 1,00,85,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે ફેન્સી નંબરપ્લેટ રાખવા બદલ 18,904 વાહનચાલકો સામે કાર્યવાહી કરી કુલ 56,75,000નો દંડ ફટકારવામાં આવ્યો છે તેમજ ઓવરસ્પીડમાં વાહન ચલાવતા 14,930 વાહનચાલકો સામે કાર્યવાહી કરી કુલ 3 કરોડથી વધુ કિંમતનો દંડ ફટકારવામાં આવ્યો છે.
શું છે સ્પીડગન અને કેવી રીતે કામ કરે છે?
રાજકોટ શહેરમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે. જે સ્પીડ લિમિટ નક્કી કર્યા કરતાં વધુ સ્પીડથી કોઈ વાહન ત્યાંથી પસાર થાય તો ઓટોમેટિક તેની સ્પીડ સ્પીડગનમાં કેપ્ચર થઈ જાય છે. ઉ.દા. તરીકે જોઇએ તો રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ડબલ ડેકર બ્રિજની સ્પીડ લિમિટ 30 નક્કી કરવામાં આવી છે, માટે ત્યાં આગળ પોલીસ દ્વારા 35ની સ્પીડ લિમિટ સ્પીડગનમાં સેટ કરી દેવામાં આવી છે, જોકે હવે કોઈ વાહન 35 કરતાં વધુ સ્પીડથી પસાર થાય તો એની સ્પીડ ઓટોમેટિક સ્પીડગનમાં કેપ્ચર થઈ જાય છે. આ કેપ્ચર થયેલી સ્પીડ કેટલી છે એ પણ દર્શાવવામાં આવે છે અને એની તસવીર પણ કેપ્ચર થઈ જતી હોય છે, જેના મારફત ઇ-મેમો મોકલવામાં આવતો હોય છે.