જૂનાગઢ ગિરનારી ગ્રુપના 100 સભ્યોની અનેરી સેવા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
ચાણક્યએ કહ્યું છે “શિક્ષક કદી સામાન્ય ન હોય” આ વાક્ય ત્યારે, સાબિત થાય છે જ્યારે એક શિક્ષક માત્ર પાઠપુસ્તકની ભુમિકા સુધી સીમિત રહેતો નથી, પણ સમાજના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. આવા જ એક સંવેદનશીલ શિક્ષક સમીરભાઈ દતાણીની વાત છે, જે પોતાની નોકરીને માત્ર રોજગાર નહીં, પણ સેવા તરીકે માને છે. જે શિક્ષણ સાથેસાથે માનવતાની ઊંડી ભાવના સાથે અનેક સેવાકાર્યો કરે છે. તેઓ ગરીબોને ભોજન પૂરુ પાડે છે, જરૂરિયાતમંદોની મદદ કરે છે અને સાથે સાથે વિવિધ સામાજિક અને પરોપકારી પ્રવૃત્તિઓમાં પણ સક્રિય છે.
- Advertisement -
રક્તદાન કેમ્પનું આયોજન, વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણના સંરક્ષણમાં યોગદાન, ગૌમાતાની સેવા માટે લાડવા અને ખોળ આપવો, બાળકો માટે “પુસ્તક પરબ” જેવી પ્રવૃત્તિઓનું આયોજન આ બધા કામો દ્વારા તેઓ સમાજમાં એક સશક્ત પરિવર્તન લાવવા માટે સતત કાર્યરત છે.સાચો શિક્ષક કેવળ જ્ઞાન આપતો નથી, પણ જીવંત મૂલ્યો, કરૂણા અને જવાબદારીની ભાવના ઉભી કરે છે જેનું પ્રતિબિંબ તેમના દરેક કાર્યમાં ઝળકે છે.
જૂનાગઢ જિલ્લાના માળીયાહાટી તાલુકાના જલંધર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા સમીરભાઈ દતાણી નોકરીમાંથી છૂટીને સાંજે પાંચ વાગ્યા પછી અતિ પછાત, મજૂરી કરતા પરિવારોને ભોજન કરાવે છે. સમીરભાઈ નોકરીથી છૂટીને જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં અતિ પછાત, મજૂરી કરતા પરિવારોને ભોજન કરાવે છે. તેઓ કહે છે કે દર મહિને ભોજન માટે એક થી દોઢ લાખ જેટલો ખર્ચ થાય છે. આ માટે જૂનાગઢ જિલ્લાના લોકો નાણાકીય સહયોગ આપે છે. તેઓ કહે છે કે આ સદકાર્ય માટે લોકો જન્મદિવસ, વર્ષગાંઠ, પુણ્યતિથિ જેવા દિવસો એ લોકો ખુશી ખુશીથી નાણાકીય સહયોગ આપી રહ્યા છે.તેઓ કહે છે કે અમે ક્યારેય કોઈ પાસે પૈસા માંગ્યા નથી. જૂનાગઢ જિલ્લાના લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી વિવિધ પ્લેટફોર્મ થકી અમારા ગિરનારી ગ્રુપથી પરિચિત છે. સમીરભાઈ કહે છે કે અમારા 100 વ્યકિતઓનું ગ્રુપ બનાવ્યું છે. જે ફ્રી હોય તે સાંજે સેવામાં આવી જાય છે. તેઓ વધુમાં કહે છે કે, અમે રસોઈ પણ જરૂરિયાત મંદ લોકો પાસે અને રોટેશન મુજબ કરાવીએ છીએ જેથી અન્ય પરિવારનું પણ ગુજરાન ચાલે.