રસ્તાઓ પર પાણી ફરી વળ્યા: નીચાણવાળા વિસ્તારો-અંડરપાસમાં ગોઠણડૂબ પાણી ભરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ગઈકાલે સાંજે છૂટાછવાયા વરસાદ બાદ આજે બપોરે મેઘરાજાએ પધરામણી કરતા લોકોમાં ઉત્સાહ છવાયો છે. બપોરના સમયે ધોધમાર મેઘમહેર થતા વાતાવરણમાં શીતળતા પ્રસરી ગઈ હતી. જોકે, ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરૂ થયું હતું, જેના લીધે વાહનચાલકો સહિત સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું.
શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉભા થયા છે અને સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. જો કે, આ વરસાદના આગમનથી વાતાવરણમાં ખુશનુમા માહોલ છવાયો હતો. ગરમી અને ઉકળાટથી ત્રસ્ત શહેરીજનોએ વરસાદની મજા માણી હતી. અનેક લોકો વરસાદમાં ભીંજાવાનો આનંદ લેતા જોવા મળ્યા હતા, જ્યારે કેટલાક લોકો ગરમ નાસ્તાની લિજ્જત માણતા નજરે પડ્યા હતા. રાજકોટમાં છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટાં રૂપી વરસાદ પડી રહ્યો છે, જેણે વાતાવરણને સુખદ બનાવ્યું છે.
એસ્ટ્રોનના નાલામાં ગોઠણડૂબ પાણી ભરાયા: વાહનચાલકો હેરાન-પરેશાન
150 ફૂટ રિંગ રોડ પર પાણી ભરાતા અનેક વાહનો ફસાયા, કોંગ્રેસના નેતા રોહિત રાજપૂત લોકોની વ્હારે આવ્યા
- Advertisement -



