‘વિકાસ ભી, વિરાસત ભી’ 10 કરોડના ખર્ચે ઘેલા સોમનાથ મંદિરનું નવિનીકરણ કરાશે
મુખ્ય કોરિડોર, મુખ્ય દ્વાર, યજ્ઞશાળા, સંત શેડ, સમાધી સ્થળનો વિકાસ થશે
- Advertisement -
શ્રદ્ધાળુઓ માટે સ્નાન ઘાટ, ચેન્જિંગ રૂમ, પાર્કિંગ, ઘાટ સુધી જવા માટે પાથ વૅની સુવિધા ઊભી થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે સમગ્ર દેશમાં મૂળ સાંસ્કૃતિક વારસાના સંવર્ધન અને જીર્ણોદ્ધાર માટે કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્યના પૌરાણિક તેમજ સાંસ્કૃતિક વારસા ધરાવતા મુખ્ય ધાર્મિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં દેશના દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ સોમનાથ મહાદેવનો પડછાયો ધરાવતા તથા ઐતિહાસિક શૌર્યના સાંસ્કૃતિક પ્રતીક સમા ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના વિકાસ ઉપર પણ એટલું જ ધ્યાન આપ્યું છે.
- Advertisement -
મોગલ આક્રમણકારીઓ સામે ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ કાજે બલિદાન આપીને એક શિવલિંગનું રક્ષણ કરવા માટે અભૂતપૂર્વ શૌર્ય દાખવનારાઓની યશોગાથા સમાન ઘેલા સોમનાથ મહાદેવનુ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ છે. ઘેલા સોમનાથ મંદિર પરિસર ખાતે વારસાની જાળવાણી માટેના કાર્યો તેમજ લાખો શ્રદ્ધાળુઓ માટે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. સોમનાથ મહાદેવ સહિત અનેક મંદિરોમાં જે લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો છે, તેવો જ લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો હવે ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે પણ શરૂ થવા જઇ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકામાં સોમપિપલિયા ખાતે આવેલા સાડા પાંચ સો વર્ષ પ્રાતના સાંસ્કૃતિક પ્રતીકોના સંરક્ષણ-જીર્ણોદ્ધાર તથા શ્રદ્ધાળુઓની સુવિધા માટે અંદાજે રૂ. 6.00 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો તો ટુંક સમયમાં શરૂ થવા જઈ રહ્યા છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ ઉપરાંત અંદાજે રૂ. 6 કરોડના ખર્ચે અનેક પ્રકારના આધુનિકીકરણ અને નવીનીકરણ કાર્યો હાથ ધરવામાં આવશે. તેમાં મુખ્ય મંદિરનો કાયાકલ્પ-જીર્ણોદ્ધાર કરવામાં આવશે. તેના હેઠળ મંદિરનું મુખ્ય દ્વાર, પાળિયા સમાધિનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે. આ ઉપરાંત; શ્રદ્ધાળુઓ માટે બેઠક વ્યવસ્થા, મંદિરની આજુબાજુ પાક્કા માર્ગો, લેન્ડસ્કેપિંગ, બગીચા, શહીદ સ્મારકનું પુનર્નિર્માણ તથા સૌંદર્યીકરણ કરવામાં આવશે. તેવી જ રીતે મુખ્ય માર્ગ, તેની બંને બાજુએ પુનર્નિર્માણ કરાશે. આ ઉપરાંત યજ્ઞશાળાનું પુનર્નિર્માણ કરવામાં આવશે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી મળતી માહિતી મુજબ ઘેલા સોમનાથ મહાદેવ સંકુલ ખાતે મુખ્ય માર્ગના રેમ્પના પગથિયા, બંને બાજુ લેન્ડસ્કેપ સાથે, જન્મથી નિર્વાણ સુધીના જીવનના વિવિધ તબક્કાઓ દર્શાવતા શિવ શિલ્પોના વિવિધ સ્વરૂપોના પત્થરના ચિત્રપટ, ફ્રન્ટ રોડ સાઇડ કમ્પાઉન્ડ, વોલમાં શણગારાત્મક પત્થરની કમાન તથા શિવ મહાત્મ્યનું ચિત્રપિટ પેઇન્ટિંગ, મુખ્ય મંદિરની સામે મીનળદેવી ટેકરીના પાયાની તળેટી ખાતે શોપિંગ સેન્ટર તેમજ પાર્કિંગ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત મંદિરમાં રિનોવેશન પણ કરવામાં આવશે. જેમાં ગર્ભ ગૃહના માર્બલ, કંગરા, અને પ્લિન્થનું ક્લેડિંગ કરવામાં આવશે. હાલ યાત્રાળુઓ માટે પરિસરમાં બેસવાની જગ્યામાં વધારો થશે અને શોપિંગ માટે હાલ રસ્તાની બંને તરફ દુકાનો બનાવવામાં આવશે.
લેઝર-સાઉન્ડ શૉની કામગીરી માટે ક્ધસલ્ટન્ટની નિમણૂક
ઘેલા સોમનાથ મંદિર નવીનીકરણ-આધુનિકીકરણ પ્રોજેક્ટ હેઠળ અંદાજે રૂ. 4 કરોડના ખર્ચે લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો સૌથી મહત્વનો છે. લેઝર એન્ડ સાઉન્ડ શોની કામગીરી માટે ક્ધસલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે અને તેમને કામગીરી શરૂ કરી દીધી છે. રાજ્યના મોટાભાગના મુખ્ય ધાર્મિક સ્થળોએ લેસર લાઇટ એન્ડ સાઉન્ડ શોની સુવિધા ઊભી કરાઈ છે. તેવી જ રીતે ઘેલા સોમનાથ મહાદેવ મંદિર સંકુલ પણ લેસર લાઇટ એન્ડ સાઉન્ડ શોથી ઝળહળી ઉઠશે.