રાજકોટ – રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ-રાહતની ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી છે.
તાલુકાના કોઠા પીપળીયા, વાજડી વડ તથા લોધિકા ગામના નીચાણવાળા વિસ્તારમાં રહેતા ૩૭ કુટુંબોના ૧૫૪ વ્યક્તિઓને સલામત સ્થળે આશ્રય આપવામાં આવ્યો હતો અને તેમના માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી, હાલ વરસાદની સ્થિતિ કાબૂમાં આવતા તમામ લોકો પોતાના ઘરે સલામત રીતે પરત ફરેલ છે.
નાંધુ પીપળીયા અને ચાંદલી ગામે ભારે પુરના કારણે ૧ર નાગરિકો ફસાઈ ગયા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ તમામ લોકોનો રેસ્કયુ કરી સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી ત્વરિત અસરથી કરવામાં આવેલ છે. લોધિકા તાલુકાના છાપરા ગામે કોઝવે ઉપર પાણીનો પ્રવાહ અચાનક વધી જતાં આ રસ્તા પરથી પસાર થઈ રહેલી કાર વરસાદી પાણીમાં તણાવા લાગી હતી, જેમાં ત્રણ વ્યક્તિઓ ફસાઈ ગઈ હતી. આ ત્રણમાંથી એક વ્યક્તિનો બચાવ થયો હતો અને બાકીના બે વ્યક્તિની લાશ આજરોજ મળી ગયેલ છે, તેમ લોધિકાના મામલતદાર કે.કે.રાણાવસીયાની યાદીમાં જણાવાયુ છે.