150 રૂપિયા કિલો ‘શણગા’નું શાક લેવા લોકોમાં પડાપડી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ચોમાસુ દિલતરબતર અને આહલાદક જામ્યું છે ત્યારે સોમનાથ- પ્રભાસપાટણની શાક બજારના મકુચોકમાં ફકત ચોમાસામાં જ વેચાતુ-ખવાતું જેમાંથી રસદાર- ચટાકેદાર દાળ-શાક બની રહે છે તેવું શાક ‘શણગા’નું શાક બજારમાં આવ્યું છે. હાલ તેનો ભાવ કિલોના રૂપિયા 150 છે, જેમ જેમ પુરવઠો આવશે તેમ તેમ ભાવ ઘટશે પણ ખરા. ‘શણગા’ એટલે શું? ‘શણગા’ એટલે ઘર-આંગણે કે ખેતર શેઢે જેને આપણે ઓળીયા કે વાલ કહીએ છીએ તેને માટીવાળી જમીનમાં છુટા છુટા અંતરે વેરી દેવાય છે, જે બીજમાંથી બે કે ચાર દિવસે કોટા ફૂટી તેમાં કુણી-કુણી સફેદ ડાંડલીઓ અને તેના ઉપર લીલા પાંદડા ઉગે છે.
- Advertisement -
આમ ઉગી ગયા બાદ તેને મૂળિયા સહિત કાઢી તેના પાંદડા-કુણી ડાળખીઓ ઝીણી ઝીણી સમારી તેનું રસાદાર ચટાકેદાર ગળ્યું-મીઠું-ખટમીઠુ મરી મસાલા તજ, લવીંગ ઘીના વઘાર સાથેનું શાક કે દાળ બનાવાય છે. આ ‘શણગા’ અન્ય પાકોની જેમ વાવેતર થતું નથી. ખેતરના બચેલા ભાગ ઉપર કે આંગણામાં કરવામાં આવે છે. આ શણગા વાવેતર, ખાન-પાન દરિયાઈ પટ્ટીના ગામો સુધી એટલે કે માધવપુરથી ઉના સુધી જ સાગર કિનારા આસપાસ થાય છે, બીજે ક્યાંય થતું હોવાના વાવડ નથી. ચોમાસાની પ્રકૃતિની વિશિષ્ટ આ ભેટ છે જે એક ને એક દાળ-શાક વરસભર ખાતા રહેતા હોય તેમાં નવો સ્વાદ, નવીનતા, પ્રદેશ ઓળખ ઉજાગર થાય છે.