હલકી ગુણવત્તાના રોડના કામથી લક્ષ્મીનગરના રહેવાસીઓમાં રોષ
નબળા કામ અંગે વિગતવાર માહિતી મેળવી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં ચાલુ વરસાદે ડામર રોડનું કામ કરવામાં આવી રહ્યુ હતુ જેથી સ્થાનીક રહીશોમાં રોષ ઉઠ્યો હતો. આ અંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સત્વરે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માગ ઉઠી હતી. ત્યારે રસ્તાની ગુણવત્તાને લઈ અનેક સવાલો ઉઠતા મેયર નયનાબેન પેઢડીયાએ ચાલુ વરસાદે થતું રોડનું ડામર કામ બંધ કરવા આદેશ આપ્યો છે. તેમજ નબળા કામ અંગે જવાબદાર અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી યોગ્ય કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી છે.
રાજકોટના રસ્તાઓ પર ઠેર-ઠેર જોવા મળતા ખાડા અને ડામરના નબળા કામને લઈને નાગરિકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો હતો. આ મુદ્દે મેયર નયનાબેન પેઢડીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, વરસાદની સિઝનમાં ડામર કામ કરવું યોગ્ય નથી, તેને તાત્કાલિક અટકાવી દેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. ખાસ કરીને લક્ષ્મીનગર વિસ્તારમાં થયેલા કામ અંગે મળેલી ફરિયાદોને ગંભીરતાથી લઇ તે કામને યોગ્ય રીતે સુધારવા માટે તાકીદ કરી છે. આ ઉપરાંત જ્યાં જ્યાં રસ્તાઓનું કામ યોગ્ય નથી ત્યાં યોગ્ય કામગીરી કરાવવામાં આવશે.
આ સાથે જ જો કોઈપણ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવશે તો જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી છે. આ સાથે ડીઆઇ પાઈપલાઈનનાં કામો માટે ખાડા ખોદાયા છે ત્યાં યોગ્ય રીતે સમારકામ કરવા માટે સંબંધિત વિભાગોને તાકીદ પણ કરવામાં આવી છે.
- Advertisement -
રસ્તાઓની હાલત સુધારવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાશે
હાલ ચોમાસાની સિઝન અને વરસાદી માહોલ વચ્ચે ડામરના કામો અટકાવી દેવામાં આવ્યા છે, ત્યારે રસ્તાઓની હાલત સુધારવા માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. મેયરે માહિતી આપી હતી કે જ્યાં જ્યાં ખાડા પડ્યા છે ત્યાં મોરમ અને જરૂરી કપચી નાખીને રસ્તાઓને દુરસ્ત કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામચલાઉ સમારકામ વરસાદી સિઝન દરમિયાન નાગરિકો સરળતાથી અવરજવર કરી શકે તે સુનિશ્ચિત કરશે અને અકસ્માતોનું જોખમ ઘટાડશે. આ ઉપરાંત ઉઈં પાઈપલાઈનનાં કામો માટે ખાડા ખોદાયા છે ત્યાં યોગ્ય રીતે સમારકામ કરવા માટે સંબંધિત વિભાગોને તાકીદ પણ મેયર દ્વારા કરવામાં આવી છે.
એજન્સીએ રસ્તાનું કામ કર્યું છે, અધિકારીઓને ટકોર કરી છે: અશ્ર્વિન પાંભર
આ મામલે કોર્પોરેટર અશ્વિન પાંભરએ વાતચીતમાં સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, હું છેલ્લાં 15 વર્ષથી ચૂંટાઈને આવી રહ્યો છું અને પ્રજાની માંગ પર સતત કામ કરું છું. જે એજન્સી દ્વારા રસ્તાનું કામ કરવામાં આવ્યું છે, તેમને અને સંબંધિત અધિકારીઓને ટકોર કરાઈ છે અને સારા રોડ માટે બાહેંધરી લેવાઈ છે.