છાપરા ગામે નદીના વહેણમાં તણાયેલી કાર અને તેમાં પ્રવાસ કરતા વ્યક્તિઓને શોધવાની કપરી કામગીરીને બીરદાવતા કલેકટર અરુણ મહેશ બાબુ
ખાસ-ખબર સંવાદદાતા
તા. 13મી એ ભારે વરસાદને પગલે રાજકોટ જિલ્લાના વિવિધ નદીઓમાં ધોડપુર સમા પાણી વહેતા હતા. રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના છાપરા ગામ પાસેથી પસાર થતી રાજકોટના ઉદ્યોગપતિ અને પેલીકન કંપનીના માલીક એવા કિશનભાઇ શાહ, ડ્રાઇવર તથા અન્ય વ્યકિત નદીના વહેતા પાણીમાં કાર સાથે તણાયાની માહિતી મળતા કલેકટર અરુણ મહેશ બાબુએ ત્વરીત એકશન લઇને ઇન્ડીયન નેવીના ગુજરાત એરીયાના ફલેગ ઓફીસર રીઅર એડમીરલ પુરૂવિર દાસને મદદ માટે ટીમની માંગ કરી હતી. બનાવને ધ્યાને લઇને તુરત જ પોરબંદર નેવીની ચીફ ડાઇવીંગ સાથેની કલીયરન્સ અને ડાઇવીંગ ટીમ રાજકોટ ખાતે રવાના કરી હતી.
ચિફ ડાઇવર અને ટીમ ઇનચાર્જ વિજય કુમાર અને 19 સભ્યો સાથેની આ ટીમ રાત્રે 12 વાગ્યે રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા. તા. 14મી એ સવારે 6-00 કલાકે આ ટીમે ઘટના સ્થળે પહોંચી પ્રાંત અધિકારીશ્રી વિરેન્દ્રભાઇ દેસાઇના માર્ગદર્શન હેઠળ તુરત તેમના સાધનો સાથે તણાયેલી કાર અને વ્યક્તિઓની ભાળ માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. રોપ (દોરડા) સાથે ખાસ પ્રકારના હુક ગોઠવી આધુનીક ટેકનીક દ્વારા પ્રથમ કાર અને ત્યારબાદ કિશનભાઇ શાહનો મૃતદેહ બહાર કાઢયો હતો. તણાયેલી કાર અને વ્યકતિની ભાળ મેળવવાની કામગીરમાં ત્વરીત રીસ્પોન્સ માટે પોરબંદર નેવીના કલીયરન્સ અને ડાઇવીંગ ટીમની કામગીરીને કલેકટર અરુણ મહેશ બાબુએ બિરદાવી હતી.
- Advertisement -



