માલધારી સમાજ દ્વારા પરંપરાગત હુડો-ટીટોડા સાથે રથયાત્રામાં ઉત્સાહ ભર્યો, ભવ્ય પ્રસાદ વિતરણ અને ચુસ્ત બંદોબસ્ત
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
મોરબી શહેરમાં ગઇકાલે અષાઢી બીજના પાવન દિવસે પરંપરાગત ભવ્યતા સાથે મચ્છુ માતાની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. મચ્છુ માતાજી તથા પુનિયા મામાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે મોરબી પંથકના ભરવાડ અને રબારી સમાજના લોકો પરંપરાગત વેશભૂષામાં જોડાયા અને ભક્તિભાવ સાથે ભાગ લીધો. રથયાત્રા મચ્છુ માતાજી મંદિર (મહેન્દ્રપરા શેરી નં. 17)થી પ્રસ્થાન કરી સુપર ટોકીઝ, ગ્રીન ચોક, નહેરુ ગેટ માર્ગે ફરીથી મંદિરે પરત ફરતાં શહેરના દરેક માર્ગ પર માનવ સાગર લહેરાતો જોવા મળ્યો હતો.
ડીજેના તાલે હુડો, ટીટોડા અને દાંડીયારાસ કરતા યુવક-યુવતીઓએ સમગ્ર યાત્રામાં ભક્તિ અને ઉત્સાહનો સંગમ સર્જ્યો હતો. ગોપાલ ભરવાડ એન્ડ ગ્રુપ, ભાવેશ ભરવાડ, રિંકુ ભરવાડ સહિતના લોકગાયકોએ ભક્તિમય ગીતોની રમઝટ બોલાવી અને સાધુસંતો સાથે હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. રથયાત્રા પૂર્ણ થયા બાદ ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે 1000 કિલો શુદ્ધ ઘીનો શીરો, 1500 કિલો ફરાળી ચેવડો અને 3500 લીટર છાસના મહાપ્રસાદથી હજારો ભક્તોએ તૃપ્તિ પામી હતી. રથયાત્રા દરમ્યાન મહામંડલેશ્વર ઘનશ્યામપુરીજી મહારાજ, મહેશપુરી (મુન્નાબાપુ), મહંત દેવાભગત સુરાભગત ગોલતર, રતનપુરીજી, કેદારપુરીજી, રોહિતપુરીજી સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા. રાત્રે જય.કે.ટીંબા એન્ડ ગ્રૂપ દ્વારા ડાક ડમરૂના તાલે કાર્યક્રમ યોજાયો હતો.
સાંસ્કૃતિક અને ધાર્મિક ભવ્યતાના પાંખે ઉડેલી રથયાત્રા માટે મોરબી પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની આગેવાનીમાં ડીવાયએસપી પી.એ. ઝાલા, 5 પીઆઈ, 16 પીએસઆઈ સહિતના 300 જેટલા પોલીસ જવાનો તૈનાત રહ્યા હતા. સમગ્ર રુટ પર પોલીસ તેમજ મ્યુનિસિપલ સ્ટાફ દ્વારા વ્યવસ્થિત વ્યવસ્થાઓ ગોઠવાઈ હતી. એક ગંભીર દર્દીને લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સ જ્યારે રથયાત્રા વાળેલા રસ્તેથી પસાર થઈ ત્યારે લોકો ભક્તિભાવ વચ્ચે માનવતા દાખવી સીધા રસ્તે સાઈડ થઇ ગયા અને એમ્બ્યુલન્સને રાહ આપી, જેથી દર્દી સમયસર હોસ્પિટલ પહોંચી શક્યો. સંપૂર્ણ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ, જે શહેરના ધાર્મિક જીવનમાં યાદગાર બની રહેશે.