ભગવાન જગન્નાથજી ભાઇ-બહેન સાથે વાજતે ગાજતે નગરચર્યા પર નીકળ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
અષાઢી બીજ નિમિતે દેશ અને રાજ્યમાં અનેક શહેરોમાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે પણ છેલ્લા 11 વર્ષથી કાઢવામાં આવતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે 12મી વખત નીકળી હતી. ધ્રાંગધ્રા સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ અને રથયાત્રા સમિતિ દ્વારા આયોજિત રથયાત્રા ગઈ કાલે મોસાળુ ખાતે શહેરના જડેશ્વર સોસાયટી ખાતે પ્રસ્થાન થઈ હતી જે બાદ આજે સાંજે ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યા પર નીકળ્યા હતા. મોસાળુ ખાતેથી પ્રસ્થાન કરેલ રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી જે ડેમિયન રથયાત્રામાં જોડાયેલા તમામ ભક્તો માટે ઠેર ઠેર પાણી, સરબત, ઠંડાપીણા, આઇસક્રીમ સહિતનાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.
- Advertisement -
જ્યારે ભગવાન જગન્નાથજી ઘર આંગણે દર્શન માટે નીકળતા હોય તેવા સમયે રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર ભગવાનની યાત્રાનું ફુલ અને હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તરફ રથયાત્રામાં પણ જુદા જુદા સ્ટોલ થકી લોકોને વ્યસનમુક્તિ, રકતદાન, વૃક્ષો રોપણ સહિત જનજાગૃતિના સંદેશ પાઠવતા સ્લોગન રાખવામાં આવ્યા હતા. શેરના મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શને અનેક રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભક્તો સ્વયંભૂ જોડાયા હતા.