વિમાનમાં લગભગ 242 મુસાફરો હોવાની જાણકારી મળી રહી છે
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી લંડન જતી ફ્લાઇટ મેઘાણીનગરમાં જ ક્રેશ થયાની માહિતી સામે આવી છે. ત્યારે આ દુર્ઘટના કેવી રીતે થઈ તેની પણ પ્રાથમિક માહિતી સૂત્રો દ્વારા મળી છે. માહિતી મુજબ એર ઇન્ડિયાનું આ વિમાન ટેક ઑફ કરવા જતાં પાછળનો ભાગ ઝાડ સાથે અથડાઈ જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. વિમાનમાં લગભગ 242 મુસાફરો હોવાની જાણકારી મળી રહી છે. આ દરમિયાન ઘટના સ્થળે ફાયર બ્રિગેડ, પોલીસ, NDRF અને BSF જવાનો દ્વારા રાહત- બચાવની કામગીરી ચાલુ છે.
- Advertisement -
કેવી રીતે સર્જાઈ આ દુર્ઘટના
ડીજીસીએ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 12 જૂન, 2025ના રોજ એર ઈન્ડિયાનું વિમાન (AI-171) 1.38 વાગ્યે ટૅક ઑફ થયું હતું. જે બે મિનિટમાં જ 1.40 વાગ્યે પહેલાં વૃક્ષ અને પછી સિવિલ સ્ટાફ ક્વાર્ટર્સ અતુલ્યમ બિલ્ડિંગ સાથે ધડાકાભેર અથડાયું હતું. એવું કહેવાય છે કે, ટેક ઓફ પછી પ્લેનના ટાયર ઈન્સર્ટ (અંદર ના ગયા) જ ના થયા હોવાથી આ દુર્ઘટના સર્જાઈ. આ ટક્કર એટલી જોરદાર હતી કે પ્લેનની ટેઈલના (પાછળના ભાગના) બે ટુકડા થઈ ગયા. ત્યારબાદ વિમાન આગળ વધીને અતુલ્યમ બિલ્ડિંગને અથડાયું હતું, જ્યાં ઈન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ છે.
આ અથડામણ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએ થઈ હતી, જેનાથી બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ધરાશાયી થવાની શક્યતા છે. આ સાથે જ પાયલોટ સુમિત સભરવાલે એટીસીને MAYDAY કૉલ આપ્યો હતો. પરંતુ એટીસી તરફથી કોઈ સિગ્નલ મળ્યું ન હતું અને પ્લેન ધડાકાભેર ક્રેશ થયું હતું. બિલ્ડિંગના પાયાના ભાગને મોટું નુકસાન થતાં બિલ્ડિંગ ધરાશાયી થવાની અણી પર છે.
- Advertisement -
દુર્ઘટનામાં એક રાહતની વાત એ છે કે, જે બિલ્ડિંગને પ્લેન ટકરાયું તેની બરાબર બાજુમાં જ એક પાંચ માળનું બીજું બિલ્ડિંગ છે, જેમાં PG (પેઈંગ ગેસ્ટ) હોસ્ટેલ ચાલે છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રહે છે. જો પ્લેન આ PG હોસ્ટેલને અથડાયું હોત, તો જાનમાલની મોટી અને ભયાવહ હાનિ થવાની આશંકા હતી. મહત્ત્વની વાત એ છે કે પ્લેન કોઈ બિલ્ડિંગમાં ઘૂસી ગયું ન હતું, પરંતુ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. જો પ્લેન કોઈ બિલ્ડિંગ પર સીધું ક્રેશ થયું હોત કે તેમાં ઘૂસી ગયું હોત તો કદાચ તેનાથી પણ વધુ ભારે ખાનાખરાબી સર્જાઈ હોત. હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે, અને દુર્ઘટનાના સંપૂર્ણ કારણો જાણવા માટે તપાસ ચાલુ છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીએમને કર્યો કોલ
આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને ઘટનાની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. સીએમ હાલમાં સુરતમાં હતા અને તેઓ અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે. બીએસએફની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. દુર્ઘટના સ્થળેથી જેવી તસવીરો સામે આવી રહી છે તે વિચલિત કરી દે તેવી છે.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ફ્લાઇટમાં હતા સવાર
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હોવાના અહેવાલ છે. તેઓ બિઝનેસ ક્લાસમાં 12 નંબરની સીટ પર બેઠા હતાં. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ ઘટનાને પગલે અમદાવાદ આવવા રવાના થયા છે. વિમાનમાં લગભગ 242 મુસાફરો હોવાની જાણકારી મળી રહી છે. આ વિમાન ક્રેશ થવાના કારણે આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી ટ્વિટ
ઈમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર
રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.