ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં કોરોના બ્લાસ્ટ થયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે અને દરરોજ ત્રણથી ચાર કેસ સામે આવી રહ્યા છે. ગઇકાલે છ કેસ મળ્યા બાદ આજે વધુ પાંચ કેસ મળ્યા છે.
વિશેષમાં મહાપાલિકાની આરોગ્ય શાખાના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ વોર્ડ નં.8માં ઓસ્કાર ટાવર બિલ્ડિંગમાં 59 વર્ષીય પુરૂષ કોરાના સંક્રમિત થયા છે તેની ટ્રાવેલિંગ હિસ્ટ્રી જૂનાગઢની છે. વોર્ડ નં.8ના બીગ બજાર ચોકમાંથી એક કેસ મળ્યો છે. જેમાં 41 વર્ષીય પુરૂષ સંક્રમિત થયા છે જેની ટ્રાવેલિંગ હિસ્ટ્રી મુંબઇની છે. આ ઉપરાંત વોર્ડ નં.14માં મધુરમ પાર્ક-2 વિસ્તારમાં 16 વર્ષીય તરૂણને કોરોના થયો છે તેની ટ્રાવેલિંગ હિસ્ટ્રી અમદાવાદની છે.
- Advertisement -
જ્યારે રૈયા ચોકડી વિસ્તારમાં 41 વર્ષીય સ્ત્રી કોરોના સંક્રમિત થઇ છે, જેની ટ્રાવેલિંગ હિસ્ટ્રી જૂનાગઢની છે, તદઉપરાંત વોર્ડ નં.4માં મોરબી રોડ ઉપરના સેટેલાઇટ ચોકમાં 41 વર્ષીય પુરૂષ કોરોના સંક્રમિત થયા છે જેની કોઇ ટ્રાવેલિંગ હિસ્ટ્રી નથી. આ તમામ દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ સારવારમાં છે. તમામને તાવ, શરદી, ઉધરસ, માથુ દુ:ખવું અને થાક લાગવો જેવા લક્ષણો વર્તાયા હતાં અને દવા લેવા છતાં તબીયતમાં સુધારો નહીં થતાં લેબોરેટરી ટેસ્ટ કરાવ્યો હતો.
જેમાં કોરોના હોવાનું સામે આવ્યું હતું. આ તમામ દર્દીઓના ઘરે આજે સવારે મ્યુનિ. ટીમ પહોંચી હતી અને પરિવારના અન્ય સભ્યોના ટેસ્ટ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ શહેરમાં આજની સ્થિતિએ સારવાર હેઠળના દર્દીઓની કુલ સંખ્યા 15 છે.



