ગેમઝોન કાંડ વખતથી શરૂ થયેલી ‘ખરાબ ગ્રહદશા’માં એક પછી એક ‘માઠી’ : છેલ્લે નબળા પડેલા ફાઈનાન્સરોથી હથોડો વિંઝાયો
‘નાણાંકીય ચકકર’ થંભી ગયાનો ઘાટ : નવા પ્રોજેકટો માટે તો કોઈ હિમ્મત કરતું નથી પણ ચાલુ પ્રોજેકટો પણ ‘ધીમા’ થવા લાગ્યાની ચર્ચા: કાચામાલ (જમીન)માં ‘બદલા’ના વ્યવહારો સિવાય લાંબા વખતથી કોઈ મોટા સોદા નથી : તૈયાર માલનાં વેંચાણ પણ ઘટયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટનાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રની ગ્રહદશા ખરાબ હોય અને માઠી બેઠી હોય તેમ ઠપ્પ જેવી હાલતમાં સપડાયું છે. એક પછી એક નવા ‘ઘા’ લાગી રહ્યા હોવાથી ‘બેઠુ’ થવાના બદલે વધુને વધુ નીચે ખુંચવા લાગ્યુ છે. ટુંકાગાળામાં કોઈ ‘ઓકસીજન’ન મળે કે સળવળાટ ન આવે તો કેટલાંકની હાલત પણ ખરાબ થવાની ભીતિ છે. નાણાંકીય રોટેશન ખોટવાઈ જવાને કારણે હાલત વણસી રહ્યાનો સુર છે.
શહેરનાં જાણીતા બિલ્ડરો એવી કબુલાત કરી રહ્યા છે કે રીઅલ એસ્ટેટ માર્કેટ સાવ ઠંડુગાર છે. બિલ્ડરોની ભાષામાં ‘સાવ ઉભુ રહી ગયા’ની હાલત છે. કાચામાલ (જમીન)ના સોદા ઠપ્પ જેવા છે અને પાકા માલ (તૈયાર ફલેટ-ઓફિસો)માં પણ પરચુરણ સોદા છે આ સંજોગોમાં નાણાંકીય રોટેશન પ્રભાવિત થવાનું સ્પષ્ટ છે.
રીઅલ એસ્ટેટ માર્કેટની વર્તમાન હાલત માટે ચારથી પાંચ કારણોને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. તબકકાવાર નવા ‘ઘા’ લાગી રહ્યા છે શેરબજારની અભૂતપુર્વ તેજી વખતે તેમાં રોકાણ કરનારા લોકોના નાણાં તાજેતરની મંદીમાં ફસાઈ ગયા છે અને તેમાંથી તેઓ હજુ બહાર આવી શકયા નથી. બીજુ કારણ સોના-ચાંદીમાં રોકાણનું છે ઈન્વેસ્ટરોએ તેમાં પણ મોટુ રોકાણ ઠાલવી દીધુ છે. ત્રીજુ કારણ ઔદ્યોગીક ક્ષેત્રમાં સ્લોડાઉન છે.ભલે સરકારી આંકડા કે દાવાઓ ગુલાબી ચિત્ર ઉપસાવતા હોય પરંતુ લોકલ ઈન્ડસ્ટ્રીઝમાં ઘણા અંશે સ્લોડાઉન છે અને તેની નાણાંકીય રોટેશનમાં ઈફેકટ દેખાય છે.
આ સિવાય સૌથી મોટો ‘હથોડો’ શહેરની ફાઈનાન્સ પેઢીઓ નબળી પડવાને કારણે લાગ્યો છે. ટોચના ફાઈનાન્સરો કાચા પડવા સાથે કરોડો રૂપિયા ફસાઈ ગયા છે અને તેઓ પાસેથી ‘ઘણો ખરો’માલ લખાવાય ગયો છે.પરંતુ તે માલ વર્તમાન સ્થિતિમાં વેચાઈ શકતો નથી એટલે ખોરવાયેલી નાણાંકીય સાયકલમાં કોઈ રાહત મળતી નથી.
- Advertisement -
રાજકોટ બિલ્ડર એસોસીએશનના પ્રમુખ પરેશ ગજેરાએ રીયલ એસ્ટેટ માર્કેટ ‘મંદુ’ હોવાનું સ્વીકારવા સાથે વાતચીતમાં એવો પણ દાવો કર્યો હતો કે માત્ર રાજકોટ જ નહિં. પણ ગુજરાતભરનાં મોટા શહેરોમાં લગભગ સમાન હાલત છે.ઈન્વેસ્ટરોનાં નાણાં શેરબજાર કે સોના-ચાંદીમાં રોકાયા કે ફસાયા છે.ઉદ્યોગ ક્ષેત્રનાં નવા નાણાં આવતા નથી તેમાં ધમધમાટ આવે તો બજારમાં રૂપિયો ફરે હાલ તો પબ્લીક પાસે પૈસા નથી ને ………
કાચા-પાકા માલમાં સોદા જુજ છે. કાચા (જમીન)માં બદલાતા છુટાછવાયા સોદા થતા હોય છે. બાકી નવા મોટા સોદા ધ્યાનમાં નથી. તેઓએ એવો પણ ગર્ભિત ઈશારો કર્યો હતો કે પાકા (તૈયાર મકાન-ઓફિસ)માં અગાઉ જેટલુ રીટર્ન નથી એટલે પણ ઉંચા ભાવની જમીન લઈને પ્રોજેકટ કરવાની કોઈ હિંમત કરતું નથી.બિલ્ડર લોબીનાં અન્ય સુત્રોએ પણ કહ્યુ હતું કે માર્કેટ ઉભુ રહી ગયુ છે અને આવનારા દિવસો-મહિના કેવા હશે તે સવાલ છે.હાલ તુર્ત કોઈ ‘સારાવાટ’ ના સંકેતો દેખાતા નથી એટલે કેટલાંક ચાલુ પ્રોજેકટોને પણ ‘ધીમા’ પાડી દેવામાં આવ્યાની ચર્ચા છે. ચાલુ પ્રોજેકટ જોકે, સાવ અટકી ગયા હોય તેમ નથી પરંતુ ગતિ ધીમી થઈ ગઈ છે. નવા પ્રોજેકટો મુકવાનું કોઈ નામ લેતું નથી.
એક જાણીતા બિલ્ડરે નામ નહિં દેવાની શરતે એમ કહ્યું કે ટીઆરપી ગેમઝોન કાંડ વખતથી માર્કેટને ‘નજર’ લાગી ગયાનું ચિત્ર છે. કારણ કે ત્યારથી માર્કેટ વધુને વધુ નબળાઈ સુચવવા લાગ્યુ છે.એક પછી એક નવા ખરાબ કારણોની ભીંસ ઉતરી રહી છે. ગેમઝોન કાંડ બાદ ફાયર સેફટીનું ભૂત ધૂણ્યુ, ફલાવર બેડનો મુદ્દો ઉપસ્યો અને તેમાં તંત્ર દ્વારા પ્રોજેકટ મંજુર કરવાનું અટકાવી દેવાયુ.
સ્થાનિકથી માંડીને રાજય સરકાર સુધી ‘પ્રેકટીકલ અભિગમ’ અપનાવવાની રજુઆતો કરવામાં આવી પરંતુ ‘જોખમી સ્થિતિ’ની ભીતિમાં સરકાર પણ લાચાર હોય તેવી હાલત ઉભી થઈ હતી.
ત્યારબાદ શેરબજાર, સોના-ચાંદીમાં રોકાણના કારણો આપ્યા અને છેવટે મોટા ફાઈનાન્સરોનો હથોડો લાગ્યો છે જેની ‘કળ’વળવી ઘણી મુશ્ર્કેલ છે. અને તેના આઘાત-પ્રત્યાઘાતો દુર થતા કેટલો સમય લાગશે તે કહેવુ પણ અઘરૂ છે.
કયાં પાંચ કારણોએ દશા બગાડી?
બિલ્ડરોનાં કહેવા પ્રમાણે રીઅલ એસ્ટેટ ક્ષેત્રની માઠી માટે મુખ્યત્વે પાંચ કારણો જવાબદાર છે. આઘાતજનક રીતે છેલ્લા એક વર્ષ દરમ્યાન જ ઉપસ્યા છે. સૌ પ્રથમ ટીઆરપી ગેમઝોન પછી ફાયર સેફટીનાં કડક નિયમોનો અમલ તથા ફલાવરબેડ વિવાદથી ફટકો પડયો હતો.આ પછીનું કારણ શેરબજાર છે. અભૂતપૂર્વ વિક્રમી મંદીથી અંજાયને રોકાણકારો તે તરફ વળ્યા મંદી થતા ભાવો ગગડયા અને તેમાં નાણા સલવાઈ ગયા એકાદ માસથી તેજી હોવા છતાં ઘણા અંશે જુના ભાવ આવ્યા નથી. ત્રીજુ કારણ સોના-ચાંદીમાં રોકાણ વધારાનું છે.ચોથુ કારણ ઔદ્યોગીક સ્લોડાઉન છે.ઉદ્યોગોમાં ધમધમાટ હોય ત્યારે તેનાં વધારાના નાણાં માર્કેટમાં આવતા હોય છે તે અટકી ગયા છે અને પાંચમુ કારણ ફાયનાન્સ પેઢીઓનું નબઈ પડવુ અને તેના કારણે ઘણા અંશે ફાયનાન્સનું ચકકર અટકી પડવાનુ છે.
એક વર્ગ હજુ વધુ મંદીની રાહમાં
બિલ્ડર સુત્રોના કહેવા પ્રમાણે મંદી-લીકવીડીટી ક્રાઈસીસ સહિતના વાસ્તવિકતા છે છતા મોટા લોકો પાસે સાવ નાણાં જ નથી તેવુ નથી. ફાઈનાન્સર પેઢીઓમાં નાણા રોકતા તથા વ્યાજની આવક મેળવતા લોકો પાસે નાણાં છે જ હવે તેઓ ફાઈનાન્સમાં નાણા રોકી શકે તેમ નથી. રીઅલ એસ્ટેટ, ખાસ કરીને જમીનમાં ભાવ નીચા આવ્યા હોવાના કારણોસર આ વર્ગની વોચ છે. જોકે તેઓ વધુ મંદી થાય કે ભાવ વધુ ઘટે તેની પ્રતિક્ષામાં છે.
ચાર ફાઈનાન્સ પેઢીઓ નબળી પડતા ‘પથારી’ ફરી
રીઅલ એસ્ટેટ ક્ષેત્ર સહિતનાં ઉદ્યોગ જગતમાં થતી ચર્ચા પ્રમાણે છેલ્લા છ-આઠ મહિનાઓમાં રાજકોટ-સૌરાષ્ટ્રની ચાર-પાંચ મોટી ફાઈનાન્સ પેઢીઓ નબળી પડતા માર્કેટની પથારી ફરી હતી. જોકે તેઓનું ચકકર ખોરવાવા પાછળનું કારણ ફાયર સેફટી કાયદાનાં કડક અમલ તથા પ્લાનીંગ-કમ્પ્લીશન પ્રક્રિયા અટકવાનું છે. આ પ્રક્રિયા અટકતા નાણાંકીય સાયકલ અટકવા લાગી હતી. ફાઈનાન્સનાં આશ્રયે રહેલા બિલ્ડરોનાં વ્યવહારો મુશ્ર્કેલ બન્યા હતા. ફાયનાન્સરોને નાણાં મળવાનું અટકયુ હતું. અને નાણા પેટે મેળવેલી પ્રોપર્ટી ગળામાં આવી ગઈ હતી. લીકવીડીટી ક્રાઈસીસ શરૂ થઈ ગળામાં આવેલી પ્રોપર્ટી વ્યાજબીભાવે પણ ખપતી ન હતી એટલે ના છૂટકે લેણદારોને પ્રોપર્ટી લખી આપવી પડી હતી. નબળા પડેલા ફાઈનાન્સરો પૈકી બે રાજકોટના હતા અને તેની ગણના ‘ટોપ-ટુ’માં થતી હતી આ સિવાય મૂળ ગોંડલનાં તથા રાજકોટમાં મોટો પથારો કરનારા ફાઈનાન્સરે પણ હાથ ઉંચા કર્યા હતા.આ સિવાય ધોરાજી, તથા જુનાગઢનાં એક એક નામ હતા. આ તમામ નાણાનું કનેકશન ઘણા અંશે રાજકોટ સાથે હોય છે.



