ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
જૂનાગઢ શહેરના જોષીપરા વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ નગરના રહીશો છેલ્લા 11 મહિનાથી ખરાબ રસ્તાઓથી પરેશાન છે. મહાનગરપાલિકા દ્વારા ગટરના કામ માટે રસ્તો ખોદવામાં આવ્યો હતો. પરંતુ લાંબા સમયથી રસ્તાનું કામ અધૂરું છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, ખરાબ રસ્તાના કારણે અનેક અકસ્માતો થયા છે. લોકો અને રખડતા ઢોર ઈજાગ્રસ્ત થયા છે. વળી, પાણીની લાઈનો તૂટી જવાથી રસ્તા પર પાણી ભરાઈ જાય છે. આ સમસ્યાને કારણે પાણી વિતરણ પણ અટકાવવું પડ્યું છે.
સિદ્ધાર્થ નગરના રહેવાસીએ જણાવ્યું કે બાળકોને શાળાએ લઈ જવા-લાવવામાં મુશ્કેલી પડે છે. તેમના દીકરાના લગ્ન પ્રસંગ દરમિયાન પણ ગટરના પાણીને કારણે ફળિયામાં કાર્યક્રમ યોજી શક્યા નહીં. સ્થાનિકોની માંગ છે કે મહાનગરપાલિકા વહેલી તકે પાણીની પાઈપલાઈન ફિટ કરી નવો રસ્તો બનાવે. મહાનગરપાલિકા દ્વારા યોગ્ય આયોજન વગર આડેધડ ગટરની કામગીરી કરવામાં આવી રહી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.