ભોમિયાવદરના વ્યાજખોર વિરુદ્ધ યુવાને નોંધાવી પોલીસ ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરીના દુષણ સામે અંકુશ લાવવા મંગળવારે વિશેષ લોકદરબાર યોજાયો હતો. આ લોકદરબાર બાદ વ્યાજખોરીથી પીડિતોમાં જાગૃતિ આવી રહી હોય તેમ, છેલ્લા પાંચ વર્ષથી આર્થિક શોષણ સહન કરતા બગવદર ગામના એક યુવાને ભોમીયાવદરના વ્યાજખોર શખ્સ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. આ કેસમાં આરોપી પર પીડિત યુવાન પાસેથી રૂ. 15.48 લાખ ગેરકાયદે વ્યાજ વસૂલી તેમજ મિલ્કત પોતાના નામે ટ્રાન્સફર કરાવી લેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી રામદેભાઈ બાબુભાઈ કારાવદરા સામે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, બગવદરના રવિ પાર્ક વિસ્તારમાં રહેતા વજશીભાઈ ઉર્ફે બાબુભાઈ રાજાભાઈ ઓડેદરા (ઉ.વ. 44) એ વર્ષ 2018માં સાડીની દુકાન શરૂ કરી હતી. દુકાનના રિનોવેશન માટે ફાયનાન્સ કંપની મારફતે રૂ. 15 લાખની લોન લીધેલી. પરંતુ 2019 ડિસેમ્બરથી શરૂ થયેલા કોરોના લોકડાઉનના કારણે વેપાર ઠપ્પ થઈ જતા આર્થિક સંકટ ઊભું થયું હતું. આ સ્થિતિમાં વજશીભાઈએ ભોમીયાવદરના રામદેભાઈ સાથે રૂ. 45 લાખના લેણદેણ બાબતે સંપર્ક સાધ્યો હતો. રામદેએ તેમને મિલ્કતના દસ્તાવેજ પોતાની સામે લખાવાની શરતે રકમ આપવાનું જણાવ્યું હતું અને નક્કી કરેલ વ્યાજ સાથે રકમ પરત કરતાં મિલ્કત પાછી આપવાની ખાતરી આપી હતી. ફરિયાદીના કહેવા પ્રમાણે, તેઓએ કુલ રૂ. 43.50 લાખ વ્યાજ સહીત લીધા હતા અને આ પૈકી 18 મહિના દરમિયાન રૂ. 15.48 લાખ વ્યાજ તરીકે ચુકવ્યા હતાં. પરંતુ વધુ વ્યાજ ચૂકવી શકયા નહોતા. જયારે તેઓએ મિલ્કત પાછી લેવા માંગણી કરી, ત્યારે રામદેએ ઈન્કાર કરતા દસ્તાવેજ પરત કરવાનું પણ ટાળી દીધું હતું. આ ઘટનાની ગંભીરતાને પગલે યુવાને બગવદર પોલીસે રામદે કારાવદરા વિરુદ્ધ ધોરણસર ગુનો નોંધાવ્યો છે જે કેસની વધુ તપાસ બગવદર પી.એસ.આઈ એ.એસ.બારાએ હાથ ધરી છે.