નીલકંઠ સિનેમામાં ગેરકાયદે રેસ્ટોરન્ટ અને દુકાનો ! કોની મીઠી નજર ?
સફાઈ કામદાર દ્વારા એંઠવાડ ઉપાડવાની ના પાડ્યાની રાવ, કોર્પોરેટરોએ કરેલી રજૂઆતો પણ નિષ્ફળ નીવડી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મારું રાજકોટ સ્વચ્છ રાજકોટ!!?? સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર વન બનવા માટે યેનકેન પ્રકારે મથતા અધિકારીઓને પદાધિકારીઓની આંખ ઉઘાડવા કેટલીક તસવીરો આપી છે, જે રાજકોટના કોઠારીયા મેઈન રોડ પર આવેલી નીલકંઠ સિનેમાની છે, જે વર્ષોથી બંધ છે. જેનું મનોરંજન લાયસન્સ રદ નથી થતું. માટે તેના માલિકોએ આવક ઊભી કરવા અંદર ગેરકાયદેસર રેસ્ટોરન્ટ અને દુકાનો ખડકી દીધી છે. આ રેસ્ટોરન્ટનો એંઠવાડ પછવાડે મેહુલ નગર 15ની શેરીમાં ફેંકાય છે ! જેનાથી લતાવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. કચરો એકઠો કરનાર કે સફાઈ કામદારો તે ઉપાડવાનીના પાડે છે. પ્રજાની અનેક રજૂઆતો પછી ત્યાંના કોર્પોરેટર નરેન્દ્ર દવે, સુરેશભાઈ વસોયા, કંચનબેન સિદ્ધપુરા, રૂચિતાબેન જોષી વગેરેએ પણ ગંદકી દુર કરવા અને ગેરકાયદેસર ચાલતા રેસ્ટોરન્ટ બંધ કરાવવા કોશિશ કરી પણ તેમનું કંઈ ઉપજ્યું નથી. જેની માલિકીનું આ થિયેટર હતું તે ગુલાબસિંહ ખેંગારસિંહ ઝાલા હાલમાં ક્યાં છે તે કોઈ જાણતું નથી. કોઈ કરણસિંહ ઝાલા હાલ ભાડું ઉઘરાવવા આવે છે. તો લત્તાવાસીઓને આ ત્રાસમાંથી મુક્ત કરાવાય તેવો પ્રજાનો પોકાર કોઈ સાંભળશે ખરું?