નિસ્વાર્થ ભાવે સેવા કરતા સ્વયં સેવકોને પ્રથમ વખત એકસાથે સન્માનિત કરાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
રાજ્યમાં એવી અનેક સંસ્થાઓ છે જેમાં લાખો અને કરોડો રૂપિયાનું દાન આવે છે જ્યારે આ ગર્ભશ્રીમંત સંસ્થાઓના સંચાલકોનું પણ વારંવાર અનેક ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં સન્માન થાય છે પરંતુ એવા કેટલાક લોકો છે જે માત્ર સેવા કરવાના ઉદેશ્યથી સ્વયં પોતાની જાતે લોકોને મદદરૂપ થઈને કોઈને કોઈ પ્રકારે સેવા આપતા હોય છે. આ પ્રકારે સામાન્ય રીતે સેવા આપતા અને સામાન્ય જીવન જીવતા ધ્રાંગધ્રા શહેરના 351 સ્વયં સેવકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ હાથ ધરાયો છે.
- Advertisement -
ધ્રાંગધ્રા નગરપાલિકાના ટાઉનહોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સેવાકીય કાર્ય કરતી સામાજિક સંસ્થાઓ અથવા સંસ્થા વગર જ પોતાના આપમેળે સામાજિક કાર્ય કરતા લોકોને અને પોતાની સાથે સમગ્ર શહેરનું ગૌરવ વધારવામાં મદદ રૂપ થતા વિધાર્થીઓ, યુવાનો અને વડીલોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સન્માનિત કાર્યક્રમના મુખ્ય આયોજક જયેશભાઈ ઝાલા દ્વારા જણાવ્યું હતું કે “ધ્રાંગધ્રા ખાતે એવા કેટલાક સ્વયં સેવકો છે જેઓ કોઈને કોઈ રીતે પોતાના પ્રયત્નોથી લોકોને ઉપયોગી થઈ રહ્યા છે અને સામાન્ય રીતે તેઓ અન્ય લોકોની માફક સામાન્ય જીવન જીવીને પોતાનશ રોજિંદા નિત્યક્રમમાંથી થોડો સમય લોક ઉપયોગી કાર્યમાં પસાર કરે છે આવા લોકોને ક્યારેય સ્ટેજ પર સન્માનિત કરાયા નથી જેથી તેઓને પ્રોત્સાહિત કરવા માટે આ ખાસ “સેવા – રથી અને સમાજ સેવાર્થીનું મીઠું સન્માન” કાર્યક્રમની આયોજન કરાયું હતું. આ સાથે ધ્રાંગધ્રાની અનેક સ્કૂલો જેમ આવતા ભવિષ્યનું ઘડતર થઈ રહ્યું છે અને એવા કેટલાક વિધાર્થીઓ જેઓએ સમગ્ર રાજ્યમાં વિવિધ ક્ષેત્રે પોતાના પરિવાર સાથે સમગ્ર શહેરનું ગૌરવ વધાર્યું તેવા તમામ કુલ 351 લોકોને સાલ અને શિલ્ડ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજા, ધારાસભ્ય રાકેશભાઈ વરમોરા, રામ મહેલ મંદિરના મહંત મહાવીરદાશજી, નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહિત સહિતના ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ કાર્યક્રમના આયોજક જયેશભાઈ ઝાલા, ચંદ્રેશભાઇ રોય, મેહુલભાઈ દવે, મહેશભાઈ સહિતનાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.