એક વર્ષથી રૈયાધાર પાસે ગાર્બેજ સ્ટેશનની પાછળ ગેરકાયદે 35 મકાનો ખડકાયા હતા; મનપાએ જગ્યા માગી અને રેવન્યુ તંત્રએ બુલડોઝર ફેરવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના રૈયા ધાર પાસે ગાર્બેજ સ્ટેશનના પાછળના ભાગે 16,000 ચોરસ મીટર સરકારી જગ્યા આવેલી છે. જ્યાં 35 જેટલા કાચા-પાકા મકાનોનું છેલ્લા 1 વર્ષથી દબાણ હતું. જોકે આ જગ્યા પર ગાર્બેજ સ્ટેશનના વાહનોના પાર્કિંગ માટે કોર્પોરેશન દ્વારા માગવામાં આવી હતી. જેથી રેવન્યુ વિભાગ એટલે કે રાજકોટ પશ્ચિમ મામલતદાર દ્વારા અહીં ખડકાઈ ગયેલા દબાણો હટાવવા માટે આજે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને અંદાજે રૂપિયા 80 કરોડની સરકારી જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.
રાજકોટ જિલ્લા કલેક્ટરે શહેર અને જિલ્લાની કરોડો રૂપિયાની કિંમતની કિંમતી જમીનો પર ગેરકાયદેસર ખડકાઈ ગયેલા દબાણોને તાત્કાલિક હટાવી દેવા માટે મામલતદારોને આદેશ આપ્યા છે. આ આદેશના પગલે છેલ્લા કેટલાક સમયથી શહેર અને જિલ્લામાં મામલતદારો દ્વારા દબાણો ઉપર ધડાધડ બુલડોઝરો ફેરવી દેવામાં આવી રહ્યા છે અને કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીનો ખુલ્લી કરાવવામાં આવી રહી છે.
રાજકોટ તાલુકા મામલતદાર અને પૂર્વ મામલતદાર દ્વારા પણ કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીનો દબાણમુક્ત કરાવી હતી. દરમિયાન આજરોજ રાજકોટ પશ્ચિમ મામલતદાર અજીત જોષી દ્વારા જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની સૂચના અન્વયે રૈયામાં ખૂબ જ કિંમતી એવી અંદાજીત રૂપિયા 80 કરોડની કિંમતની સરકારી જમીન દબાણમુક્ત કરાવી હતી અને આ જમીન પર 1 વર્ષથી ખડકાઈ રહેલા ગેરકાયદેસર દબાણો પર બૂલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
વધુમાં આ ડિમોલીશન અંગે મળતી વધુ વિગતો મુજબ આજરોજ સવારે પશ્ચિમ મામલતદાર અજીત જોષી અને તેની ટીમે જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ રૈયા સર્વે નંબર 318માં આવેલા અંદાજીત રૂ.80 કરોડની કિંમતની 16 હજાર ચો.મી. જેટલી જમીન ઉપર ગેરકાયદેસર ખડકાઈ ગયેલા 30થી 35 જેટલા કાચા-પાકા મકાનો અને ઝુંપડા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.ઉપરોક્ત સરકારી જમીનમાં છેલ્લા 1 વર્ષથી ગેરકાયદેસર કાચા-પાકા મકાનો અને ઝુંપડાના દબાણો ખડકાઈ ગયા હતા અને આ દબાણકર્તાઓને અનેકવાર સ્વૈચ્છીક રીતે દબાણો હટાવી દેવા માટે નોટીસો આપવામાં આવી હતી છતાં દબાણકર્તાઓએ દબાણો ન હટાવતા કલેક્ટરની સૂચના મુજબ પશ્ચિમ મામલતદારે દબાણો પર બુલડોઝર ફેરવી દીધુ હતું.



