સૌ. યુનિ.ના કુલપતિ ઉત્પલ જોશીના અધ્યક્ષસ્થાને પરીક્ષા વિભાગની બેઠક યોજાઈ
જામનગર, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર જિલ્લામાં વિદ્યાર્થી સહાયતા કેન્દ્ર શરુ કરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીના અધ્યક્ષસ્થાને પરીક્ષા વિભાગની મીટીંગ યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સુવિધા માટે વિદ્યાર્થીલક્ષી નિર્ણયો કરાયા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા વિભાગને લગતી કામગીરી માટે દરેક જીલ્લામાં “વિદ્યાર્થી સહાયતા કેન્દ્ર” શરુ કરવાનો નિર્ણય કુલપતિ જોશીએ લીધો છે. “વિદ્યાર્થી સહાયતા કેન્દ્ર” માં પરીક્ષા વિભાગને આનુસંગિક તમામ સેવાઓ-કામગીરી થશે. જેને લઈને વિદ્યાર્થીઓએ પરીક્ષા વિભાગની કામગીરી માટે યુનિવર્સિટી કેમ્પસ પર આવવું નહીં પડે. જેથી વિદ્યાર્થીઓનો સમય, શકિત અને નાણાં બચશે, જીલ્લાકક્ષાએ પરીક્ષાની કામગીરી માટે સુવિધા પણ મળશે.
વિદ્યાર્થીઓને માર્કશીટમાં સુધારો, ટ્રાન્સક્રીપ્ટ, માર્કશીટ વેરીફીકેશન, ટ્રાયલ સર્ટીફીકેટસ જેવી વિવિધ પરીક્ષા વિભાગની સુવિધાઓની માહિતી “વિદ્યાર્થી સહાયતા કેન્દ્ર” પરથી મળી જશે. “વિદ્યાર્થી સહાયતા કેન્દ્ર” 1) કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટસ કોલેજ-અમરેલી, 2) શ્રી ડી કે વી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ -જામનગર, 3) શ્રીમતી જી. જે. શેઠ કોમર્સ કોલેજ-મોરબી, 4) શ્રીમતી એસસીયુ શાહ હોમ સાયન્સ અને આર્ટ્સ નેડ કોમર્સ મહિલા કોલેજ – સુરેન્દ્રનગરમાં શરુ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ અહીં દર્શાવેલ સહાયતા કેન્દ્રો પર જઈ પરીક્ષા વિભાગને લગતી કામગીરી અંગે માહિતી મેળવી કાર્ય કરી શકશે. મીટીંગમાં કુલસચિવ ડો. રમેશભાઈ પરમાર, ઈ.ચા. પરીક્ષા નિયામક ડો. મનીષભાઈ શાહ, ઘજઉ, વિદ્યાર્થી સહાયતા કેન્દ્રોના કોઓર્ડીનેટરો ઉપસ્થિત રહ્યા હતા.