મવડીમાં 120ની સ્પીડે કાર ચલાવી 3 વાહનને ઉડાવ્યા: ડેરી સંચાલક વૃધ્ધનું મોત, બાળકી અને યુવાન ગંભીર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અમદાવાદમાં તથ્યકાંડની ઘટનામાં નવ લોકોએ જીવ ગુમાવ્યો હતો. જે બાદ વડોદરામાં બે દિવસ પુર્વે કાર ચાલક નબીરાએ નશામાં ધૂત થઈ પુર ઝડપે કાર હંકારી એકટીવા સવાર ત્રણ લોકોને હડફેટે લેતાં એક યુવતિનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. બનાવના પગલે લોકોએ નશામાં ધૂત શખસને માર મારી પોલીસને સોંપ્યો હતો આ બે ઘટના બાદ હવે રાજકોટમાં બેકાબુ બનેલા કાર ચાલકે મવડીમાં ત્રણથી વધુ વાહન ચાલકોને હડફેટે લેતાં વૃધ્ધનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું. જયારે ઈજાગ્રસ્ત કિશોરી અને યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિ.માં ખસેડવામાં આવ્યા છે બનાવના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. કાર ચાલક અકસ્માત સર્જી નાશી છુટે તે પુર્વે જ પોલીસે દબોચી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
શહેરના મવડી વિસ્તારમાં આવેલ ભારત પેટ્રોલ પંપ પાસે રાત્રીના 10 વાગ્યા આસપાસ જીજે 01 કેએકસ 5080 નંબરની ક્રિયા કારના ચાલકે 100ની સ્પીડમાં કાર હંકારી ત્રણથી વધુ વાહન ચાલકોને હડફેટે લેતા વૃધ્ધ અને કાકા-ભત્રીજી ઈજાગ્રસ્ત થયા હતા. બનાવના પગલેઆસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને લોકોએ જ કાર ચાલક અને તેની સાથે બેસેલ શખ્સને પકડી લીધાં હતાં ઘટનાની જાણ થતાં જ માલવીયાનગર પોલીસ મથકના પીઆઈ જીગ્નેશ દેસાઈ સહિતનો સ્ટાફ દોડી જ અકસ્માત સર્જનાર ઋત્વિક રમેશ પટોળીયાને દબોચી લઈ પોલીસ મથકે લઈ જવાયો હતો.જયારે ઈજાગ્રસ્તોને તાકિદે 108 મારફતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. જયાં ટુંકી સારવાર દરમ્યાન ગંભીર રીતે ઘવાયેલા પ્રફુલભાઈ જેઠાલાલ ઉનડકટ ઉ.70 નામના વૃધ્ધએ દમ તોડી દીધો હતો જયારે આરાધ્યા ધવલભાઈ ડોબરીયા ઉ.12 અને તેના કાકા પિયુષભાઈ બન્નેને ગંભીર ઈજા પહોંચી હોવાથી દાખલ કરવામાં આવ્યા હતા વૃધ્ધના મૃતદેહને માલવીયા નગર પોલીસે પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વૃધ્ધ નાણાવટી ચોક વિસ્તારમાં આવેલ મણિનગરમાં રહે છે અને ગોંડલ રોડ પર આવેલા સદભાવના વૃધ્ધાશ્રમ નીચે તીરૂપતિ ડેરી ફાર્મ ધરાવે છે રાત્રીના દુકાન બંધ કરી ઘર જતી વેળાએ રસ્તામાં આવતા ભારત પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવા જતા હતા. જ્યાં અકસ્માત સર્જાતા જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.જયારે સારવારમાં રહેલ બાળકીના પિતા ધવલભાઈએ જણાવ્યું હતું કે, તેઓ હરિધવા મેઈન રોડ આવેલ રાજલક્ષ્મી સોસાયટી શેરી નં 9માં રહે છે. તેઓ મવડીથી ઘરે જતા હતા અને તેની પુત્રી કાકા પીયૂષભાઈ સાથે બન્ને આગળ હતા. તેઓ તેમની પાછળ હતા જ હતાં ત્યારે ઘટના ઘટી હતી. માલવીયાનગર પોલીસની ટીમે આરોપી કાર ચાલક જુનાગઢના ઋત્વિજ રમેશ પટોળીયા ઉ.23 અને તેની સાથેના ધ્રુવ કોટક નામના શખ્સને પકડી ગુનો નોંધવા તજવીજ આદરી હતી અકસ્માતની ઘટના બાદ માલવીયાનગર પોલીસ મથકના પીઆઈ જે.આર.દેસાઈએ જણાવ્યું હતું કે, કારમાં યુવતી હતી. જે યુવતી કાર ચાલકની પિતરાઇ બહેન હતી અને તે તેને મવડી ચોકડીથી આનંદ બંગલા ચોક તરફ મુકવા જતો હતો ચાલક નશાની હાલતમાં ન હોવાનું જણાવ્યું હતું.