ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમાજમાં અનેકવિધ સેવાકીય-સાંસ્કૃતિક-સાહિત્યિક પ્રવૃત્તિઓ કરતી રાજકોટની સંસ્થા ક્વોલિટી સર્કલ દ્વારા તા. 26 ને મહાશિવરાત્રિએ જીવન ઉત્સવ અંતર્ગત જાણીતા ઉદ્યોગગ્રુપ એપલ બેસનના સહયોગથી રાજકોટના પ્રમુખ સ્વામિ ઓડિટોરિયમ ખાતે કથા, કવિતા અને સંગીતના ‘જુગલબંધી જલસા’નું આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
ક્વોલિટી સર્કલના સભ્યો હંમેશાં સમાજ સેવા માટે તત્પર રહ્યા છે. કોરોના કાળમાં વિવિધ સેવાકીય કામગીરી હોય કે સમાજની છેવાડાની જરૂરિયાતમંદ દીકરીઓને શિક્ષણ સહાય હોય કે સાહિત્ય વાંચન વડે સમાજમાં વિચાર અને સમજણ વધે તે હેતુસર 12 ફોર 12 પ્રોજેક્ટ દ્વારા અનેક પરિવારો સુધી પુસ્તકો પહોંચાડવાની નેમ હોય ક્વોલિટી સર્કલ હંમેશા યોગદાન આપતું રહ્યું છે. આગામી સમયમાં જરૂરિયાતમંદ દર્દીઓને રક્તની ખામી ન સર્જાય તેવી નેમ સાથે રક્તદાન કેમ્પનું આયોજન પણ હાથ ધરાયું છે. કલા, સંગીત અને સાહિત્યને જાણવા અને માણવાના હેતુસર ક્વોલિટી સર્કલ દ્વારા જીવન ઉત્સવ અંતર્ગત મહાશિવરાત્રિના રોજ પ્રમુખ સ્વામિ ઓડિટોરિયમ ખાતે ‘જુગલબંધી જલસા’નું આયોજન કરવામાં આવ્યું હતું. મન, હૃદય અને આત્માને સ્પર્શી જતાં આ પ્રોગ્રામમાં જીવનના ‘નવ રસ’ની આહ્લાદક અનુભૂતિમાં શ્રોતાઓ-પ્રેક્ષકો મંત્રમુગ્ધ બન્યા હતા.
પ્રતિષ્ઠિ કવિ અને એન્કર મિલીંદ ગઢવીએ વીર અને હાસ્ય રસની પ્રસ્તુતિ કરી સાહિત્ય અને સૂરના મોતી વિખેર્યા હતા. ચારેય ખ્યાતનામ કલાકારોની જુગલબંધી, મ્યુઝિક ટ્રેક, પ્રસ્તુતિકરણના પરફેક્ટ ટાઈમીંગ પ્લાનીંગે શ્રોતાઓને અભિભૂત કર્યા હતા. તાળીઓના ગડગડાટ અને વાહ-વાહીથી હોલ ગાજી ઉઠ્યો હતો. ક્વોલિટી સર્કલના સભ્યો દ્વારા જુગલબંધી જલસાના કલાકારો તથા સમગ્ર ટીમનું ખેસ ઓઢાડી અભિવાદન કરવામાં આવ્યું હતું.