મેળામાં પ્રથમ વાર પદ્ધતિસર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસનો પ્રારંભ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ જિલ્લા કલેકટરની પહેલથી મહાશિવરાત્રીના મેળાનો પ્રથમ વાર પદ્ધતિસર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના 15 અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.ના સમાજશાસ્ત્ર અને ઇતિહાસ વિભાગના 10 વિદ્યાર્થી-સંશોધનકર્તાઓને મહાશિવરાત્રીના મેળાના અભ્યાસ માટેની પ્રશ્ર્નાવલી કલેકટરે અર્પણ કરી હતી. સાથે જ આ સંશોધનકર્તાઓને આ અભ્યાસનું મહત્વ સમજાવતા સંશોધન કાર્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા.
- Advertisement -
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના કાર્યાલયે પણ ટ્વિટ કરીને સૌરાષ્ટ્ર યુનિ.અને નરસિંહ મહેતા યુનિ. અને જિલ્લા વહીવટી તંત્રના આ પ્રયાસ કાર્યને અત્યંત સરાહનીય ગણાવ્યું હતું.જિલ્લા વહીવટી તંત્ર અને બંને યુનિ.ના સંયુક્ત ઉપક્રમે સંશોધનકર્તા વિદ્યાર્થીઓ મહાશિવરાત્રીના મેળાના આકર્ષણો, આર્થિક અસર અને ખર્ચ, સ્થાનિક વેપાર અને વેપારીઓ પર અસર, પર્યટન અને રોજગારીની અસર ઉપરાંત મહાશિવરાત્રીના મેળાના આયોજનને ભવિષ્યમાં વધુ બહેતર આયોજન અને સુધારણા માટે પ્રશ્ર્નાવલીના માધ્યમથી અભ્યાસ હાથ ધરશે. આમ, મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકો અને વેપારીઓના પ્રતિભાવો નોંધી 40 પ્રશ્ર્નો થકી મહાશિવરાત્રીના મેળાનો સર્વગ્રાહી અભ્યાસ કરવામાં આવશે. તેના અંતે એક રિસર્ચ પેપર તૈયાર કરવામાં આવશે. આ કેસ સ્ટડી જૂનાગઢની ઇકોનોમીને પણ સમજવામાં ઉપયોગી બનશે.
ભાવિકોને મેળામાં શું વધારે પસંદ છે તે પણ જાણી શકાશે. જે વ્યવસ્થાઓમાં સુધારાની જરૂર છે તે મંતવ્યો પણ જાણી શકાશે. એટલું જ નહીં પરંતુ વેપારીઓના મંતવ્યોનું પણ આકલન કરવામાં આવશે.યુવાનો, અન્ય વય જૂથના ભાવિકો, વેપારી, પરિવહન અને હોટલ સેવા, જુદી જુદી વ્યવસ્થાઓમાં સૂચનો તેમજ આર્થિક સામાજિક અને આધ્યાત્મિક પાસાઓને પણ આ સર્વેમાં વણી લેવામાં આવ્યા છે. અંદાજે 1500 થી 2000 લોકોના સર્વે કરવાના લક્ષ્યાંક સાથે ટીમે કામગીરીનો પ્રારંભ કરી દીધો છે.



