બંધ શૌચાલયને ફરી શરૂ કરવા માગ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.15
સુરેન્દ્રનગર શહેરમાં વર્ષો પહેલા ઠેક ઠેકાણે જાહેર શૌચાલય બનાવ્યા હતા. પરંતુ તેમાંથી હાલ મોટાભાગના શૌચાલય બંધ હાલતમાં છે. સુરેન્દ્રનગર મહાનગર પાલિકા જાહેર થતાં આ બંધ રહેલ શૌચાલય ફરી ચાલુ કરવા મહાનગર પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર શહેરમાં મહાનગર પાલિકા દ્વારા વિવિધ સ્થળે જાહેર શૌચાલયો બનાવ્યા છે. પરંતુ જાળવણીનાં અભાવે આ શૌચાલય ધીમે ધીમે બંધ થઈ ગયા છે. ત્યારે વિચરતા સમુદાય સમર્થન મંચના હર્ષદભાઇ વ્યાસ દ્વારા મહાનગર પાલિકા કચેરીમાં આ અંગે લેખિત રજૂઆત કરાઈ છે. આ રજૂઆતમાં હર્ષદભાઈ વ્યાસના જણાવ્યા મુજબ હાલ સુરેન્દ્રનગરના મુખ્ય રસ્તા ઉપર વ્યવસાય કરતા લારીવાળાઓ અને પાથરણા વાળાઓને એન.ટી.એમ. હાઇસ્કૂલ પાછળ ટાગોરબાગ સામે ફેરવવામાં આવનાર છે. ત્યારે આ સ્થળે શાકભાજી, અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા લોકોની ત્યાં અવર જવર આગામી દિવસોમાં વધનાર છે. ખાસ કરીને મહિલાઓની સંખ્યા સવિશેષ રહેનાર છે. ત્યારે ટાગોર બાગ પાસે રહેલ શૌચાલયને શરૂ કરવા તથા આ વિસ્તારમાં જૂના પાલિકા બિલ્ડિંગ પાછળ, વિકાસ સ્કૂલ પાસે, હેન્ડલુમ વિસ્તાર સહિતમાં પણ શૌચાલયો શરૂ કરાવવા માગ કરી છે.