રાજ્યામાં નિવેદનોનો બોછાર ચાલી રહ્યો છે ત્યારે તાજેતરમાં વધુ એક નિવેદન સામે આવ્યું હતું. જેમાં નીતિન પટેલે રાજકારણમાં દલાલો વધી ગયા છે તેમ કહેતા વિવિધ ચર્ચાઓ જાગી છે.
કડીના ડરણ ગામે દામોદર જીવરામ પટેલ નૂતન વિદ્યાલયના અમૃત મહોત્સવ અને નવા મકાનના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા 30-35 વર્ષમાં પાટીદાર સમાજમાં આર્થિક સમૃદ્ધિ આવી છે. કડી વિસ્તારમાં જમીનોની કિંમતો એક કરોડથી પાંચ કરોડ સુધી પહોંચી છે, જેના કારણે અમદાવાદના બિલ્ડરો પણ આ વિસ્તાર તરફ આકર્ષાયા છે.
- Advertisement -
હવે તો રાજકારણમાં પણ…
વધુમાં તેમણે જણાવ્યું હતું કે અત્યારે ગામડામાં કોઈ સામાન્ય રહ્યું જ નથી, અહીં બેઠેલા જે પણ વ્યક્તિ જોડે પાંચ વીઘા જમીન હોય તો 10 થી 15 કરોડના આસામી કહેવાય, હું બધા બિલ્ડરો અને દલાલોને ઓળખું છું, જમીનોના દલાલો મોટર સાયકલ લઈને ફરે પાનના ગલ્લા ઉપર, મેઢા ચોકડી હોય, અમારા કડીનો કરણનગર રોડ હોય, બધા દલાલો હવે તો રાજકારણમાં પણ દલાલો થઈ ગયા છે. દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લેવાની, ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે એટલે ભાજપ સરકારે બહુ મોટા સુખી કર્યા, દલાલી કરતા કરતા અત્યારે બહુ મોટા સુખી થઈ ગયા છે, એટલે આ બધું ભગવાનના આશીર્વાદ છે,ઉમિયા માતાજીના આશીર્વાદ છે.
આ બધું બોલી શકું છું મારી શક્તિ થી…
- Advertisement -
પ્રમુખની વાત યાદ કરતા તેમણે કહ્યું હતું કે ગામનું એક એક ઘર એવું નહિ હોય કે મને નહીં ઓળખતું હોય, અને હું તમને એ પણ કહી દઉં કે આ બધું બોલી શકું છું અને આ બધું જે કર્યું છે તે મારી શક્તિથી તમે બધાએ અને ગામના આગેવાનો અને વડીલોએ હું 1990 માં પહેલી વખત ધારાસભ્ય બન્યો કારણકે હું નવો હતો, કડી નગરપાલિકાનો પ્રમુખ બન્યો, ત્યારે બહુ બધી ઓળખાણ પણ નથી ત્યારે ગામડાના આગેવાનોએ અને તમે બધા ભેગા થઈને મને ધારાસભ્ય બનાવ્યો, પછી તો સતત ધારાસભ્ય રહ્યો અને આપણી ભાજપની સરકાર આવી આરોગ્ય મંત્રી રહ્યો, માર્ગ મકાન મંત્રી રહ્યો, નાયબ મુખ્યમંત્રી રહ્યો બધું રહ્યો તમારા બધાના આશીર્વાદથી.