પોલીસ હેડક્વાર્ટર ખાતે ધ્વજવંદન અને પરેડ સહિતના કાર્યક્રમ યોજાયા, અશ્ર્વ શૉ અને ડોગ શૉએ લોકોમાં આકર્ષણ જમાવ્યું
કોટડા સાંગાણી ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ : શહેર કક્ષાની ઉજવણી ચૌધરી હાઈસ્કૂલ ખાતે સંપન્ન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
દેશભરમાં ગઇકાલે ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા ગણતંત્ર દિવસ નિમિત્તે ભવ્ય પરેડ યોજાઈ હતી. આ તકે જુદી-જુદી કુલ 9 જેટલી પ્લાટુન દ્વારા વિવિધ રીતે રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ હતી. ધ્વજવંદન બાદ પોલીસ કમિશ્નર દ્વારા પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ અલગ અલગ સ્કૂલના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને રાજકોટ પોલીસ ડોગ સ્ક્વોડ દ્વારા ડોગ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેણે ઉપસ્થિત લોકોમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું. આ કાર્યક્રમમાં જ શહેરને ગુનાખોરી મુક્ત બનાવવા મહત્ત્વની કામગીરી કરનાર અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.
આ તકે વિવિધ પોલીસ જવાનો દ્વારા જુદી-જુદી પરેડ કરવામાં આવી હતી અને પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ પોલીસની પરેડ નિહાળી તાળીઓનો ગડગડાટ કર્યો હતો. જેમાં હોર્સ શો નામની ખાસ અશ્વ પરેડ યોજાઈ હતી. આ પરેડ દરમિયાન અશ્વ પર બેઠેલા જવાનોએ અવનવા કરતબ બતાવ્યા હતા. તો એક ખાસ ડોગ-શો યોજાયો હતો. જેમાં શહેર પોલીસના ટ્રેઇન્ડ શ્વાનો દ્વારા અવનવા કરતબો કરવામાં આવ્યા હતા. તેમજ તાજેતરમાં રાજકોટ પોલીસમાં સામેલ નશાયુક્ત પદાર્થ શોધવામાં મદદરૂપ થતા શ્વાને એક કારમાંથી જે બેગમાં દારૂની બોટલ રાખેલ હતી તે બેગ શોધી દેવામાં આવ્યું હતું. આ દૃશ્યો જોઈને લોકો અચરજમાં મુકાઈ ગયા હતા.
રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ જણાવ્યું હતું કે, ગઇકાલે દેશમાં 76મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી. જે અંતર્ગત પોલીસ હેડક્વાર્ટરનાં પરેડ ગ્રાઉન્ડ ખાતે પણ ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા છે. પોલીસ દ્વારા પરેડ ઉપરાંત અશ્વદલ અને શ્વાન દલ દ્વારા કરતબો કરવામાં આવ્યા હતા. રાજકોટ પોલીસ પાસે 3 પ્રકારના શ્વાન છે જેમાં એક ટ્રેકર ડોગ જે ગુનો બન્યા બાદ ટ્રેક માટે મદદરૂપ બને છે, બીજું છે એક્સ્પ્લોઝીવ ડિટેક્ટિવ છે જે ગઉઙજ જેવા કેસ તેમજ બોમ્બ જેવી એક્સ્પોઝિવ વસ્તુ ડિટેક્ટશનમાં મદદરૂપ થાય છે અને ત્રીજું છે પ્રોહિબિશન ડોગ જે પ્રોહિબિશન કેસમાં મદદરૂપ થાય છે.
76મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કોટડા સાંગાણીની ઠાકોર મૂળવાજી વિનયન કોલેજ ખાતે કરવામા આવી હતી. આ પ્રસંગે કૃષિ મંત્રી તેમજ રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજી પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. ધ્વજવંદન બાદ બેન્ડની સૂરાવલી સાથે રાષ્ટ્રગાન વગાડવામા આવ્યું હતું. રાષ્ટ્રગાન બાદ મંત્રીએ કલેક્ટર પ્રભવ જોષી, પ્રોબેશનરી આઈ.પી.એસ. નવીન ચક્રવર્તી તથા એસ.પી. હિમકરસિંહ સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પરેડ કમાન્ડરની આગેવાની હેઠળ વિવિધ ચાર પ્લાટુનોએ માર્ચ પાસ્ટ કરી હતી. પરેડમાં બે પુરુષ પ્લાટુન, બે મહિલા પ્લાટુન તથા બેન્ડ પ્લાટુને ભાગ લીધો હતો. 76માં પ્રજાસત્તાક પર્વની રાજકોટ શહેર કક્ષાની ઉજવણી અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન. કે. મુછારની અધ્યક્ષતામાં ચૌધરી હાઈસ્કૂલ ખાતે સંપન્ન થઈ. આ સમયે સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોનું અભિવાદન કરાયું હતું અને વિવિધ સરકારી કચેરીઓમાં ઉત્તમ કામગીરી કરનારા 35 જેટલા કર્મયોગીઓનું એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સવારે નવ કલાકે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મુછાર તથા રાજકોટ શહેર-1 પ્રાંત અધિકારી સુશ્રી ચાંદની પરમાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અધિકારી દ્વારા પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું. બાદમાં રાજકોટ પોલીસ દળ, હોમગાર્ડ તથા 2-ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી.ની ગર્લ્સ કેડેટસની પ્લાટુને શિસ્તબદ્ધ રીતે કદમતાલ સાથે રજૂ કરેલી માર્ચપાસ્ટે નાગરિકોમાં જુસ્સો ભરી દીધો હતો.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત સવારે 9 વાગ્યે રાજકોટ મહાનગરપાલિકા, સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મેયર નયનાબેન પેઢડીયાએ તિરંગો લહેરાવી ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો તથા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સામુહિક રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. તેમજ આજ રોજ સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી શ્રેષ્ઠ સફાઈ કામગીરી કરનાર પરેશભાઈ પરમાર, પ્રેમિલાબેન ડુંગરશી, મહેશભાઈ ધરણીયા, લીલાબેન પરમાર, જગદીશભાઈ મકવાણા અને રેખાબેન સોલંકીનું મેયર સહિતના ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શાલ ઓઢાડી તેમજ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.



