10 જાન્યુઆરીથી જિલ્લાના દરેક તાલુકામાં કંટ્રોલ રૂમ અને પક્ષી સારવાર કેન્દ્રો શરૂ કરાશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
રાજ્યમાં ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે પતંગ રસિયાઓ આ તહેવારને ઉજવવા માટે છેલ્લા દશેક ધવસ્થી થનગની રહ્યા છે તેવામાં પતંગ ચડાવવાની મજા અબોલ પશોના જીવની સજા પણ બની જાય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે ’કરુણા અભિયાન-2025’ના આયોજન અંગેની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર દ્વારા કરુણા અભિયાન અંતર્ગત જિલ્લામાં થયેલા આયોજન અંગેની જાણકારી મેળવી વિવિધ સૂચનો કર્યા હતાં. બેઠકમાં જિલ્લા કલેકટર દ્વારા જણાવ્યું હતું કે, આપણે સૌ ઉતરાયણનો તહેવાર હર્ષોલ્લાસથી દર વર્ષે ઉજવીએ છીએ. પતંગ ઉડાડવાની મજા માણતા ઘણી વખત પતંગની દોરીથી પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય છે કે મૃત્યુ પામે છે. આ અબોલ અને નિર્દોષ પક્ષીઓના જીવ અમુલ્ય છે. તેથી તેમને બચાવવા એ આપણી સૌની નૈતિક ફરજ છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વન વિભાગ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્વંયસેવકોના સાથ સહકારથી ’કરુણા અભિયાન-2025’ અંતર્ગત ઇજાગ્રસ્ત પક્ષીની સારવાર અને બચાવની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં દરેક જિલ્લાવાસીઓને સાથ સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
- Advertisement -
ઉત્તરાયણ દરમિયાન શું કરવું ?
ફક્ત ઉતરાયણના દિવસે પતંગ ચગાવીએ, વૃક્ષો, ઇલેક્ટ્રીક લાઇન અને ટેલિફોન લાઇનથી દૂર પતંગ ચગાવીએ, ઘાયલ પક્ષીને જોતા તરત જ નિકટના સારવાર કેન્દ્રનો સંપર્ક કરીએ, ઘાયલ પક્ષીની આંખને કપડાથી ઢાંકી બાસ્કેટ કે કાણાવાળા પુઠાના બોક્સમાં રાખી તાત્કાલિક સારવાર કેન્દ્રમાં પહોંચાડીએ. ઘરના ધાબા પર કે આજુબાજુના વૃક્ષોમા ફસાયેલી દોરીનો નિકાલ કરીએ.”
ઉત્તરાયણ દરમિયાન શું ન કરવું ?
- Advertisement -
પક્ષીઓ સુરક્ષિત રહે તે માટે સવારે 9.00 વાગ્યા પહેલા કે સાંજના 5.00 વાગ્યા પછી પતંગ ન ચડાવવી, ક્યારેય પણ તુક્કલ ન ચડાવવી. ચાઇનીઝ, સીંથેટીક કે કાચ પાયેલી દોરીનો પતંગ ચડાવવામા ઉપયોગ ન કરીએ, ઘાયલ પક્ષીના મોઢામાં પાણી કે ભોજન ન મુકીએ, રાત્રીના સમયે ગુબ્બારા કે ફુગ્ગા ન ચડાવવા, ઘાયલ પક્ષીની સારવાર જાતે ન કરવી અને ઘાયલ પક્ષી પર પાણીનો છંટકાવ કરવો નહિ.
ઘાયલ પક્ષીને બચાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
ઘાયલ પક્ષીને સંભાળથી કાળજીપૂર્વક ઉપાડીએ, હવાની અવર જવર થઈ શકે તેવા બાસ્કેટ બોક્સમાં પક્ષીને રાખીએ. પક્ષીને આઘાતથી બચાવવા તેના પર કપડું રાખવું, ઘાવ પર આયોડિન/ ડેટોલ/ સેવલોન કે હળદર પાવડર લગાડવો નહીં. ઘા પર લોહી બંધ કરવા માટે હળવા હાથે રૂ દબાવવું, લાંબા સમય માટે પક્ષીને હાથમાં પકડી ન રાખવું, ઘવાયેલ પક્ષી સાથે રમત કે ફોટોગ્રાફી ન કરવી. પક્ષીના શરીર પરથી પતંગની દોરી દૂર કરવા બળજબરીપૂર્વક પ્રયાસ ન કરવો, તળેલા પદાર્થ પક્ષીને ક્યારેય પણ ખવડાવવા નહીં જેમકે ગાંઠીયા, બિસ્કીટ, ઘાયલ પક્ષીની માહિતી હેલ્પલાઇન નંબર પર આપીને તાત્કાલિક નજીકના સારવાર કેન્દ્ર પર પહોંચે તેવી વ્યવસ્થા કરવી.