ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય દળો પર મોટો આરોપ લગાવ્યો છે. મમતા બેનર્જીએ આરોપ લગાવતાં કહ્યું કે ’સીમા સુરક્ષા દળ (ઇજઋ) રાજ્યને અસ્થિર કરવા માટે બાંગ્લાદેશના નાગરિકોને ઘૂસણખોરીની પરવાનગી આપી રહ્યું છે અને મહિલાઓ પર અત્યાચાર કરી રહ્યું છે.’ મમતા બેનર્જીએ આને કેન્દ્ર સરકારની મોટી નાપાક યોજના ગણાવીને મોટો વિવાદ ઊભો કરી દીધો છે.પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે એટલે કે 2026માં વિધાનસભા ચૂંટણી થવાની છે અને સીએમ બેનર્જીના આ નિવેદન બાદ ચૂંટણીમાં ટીએમસી અને ભાજપ, બંને પાર્ટીઓની વચ્ચે આકરી ટક્કર જોવા મળી શકે છે. મમતા બેનર્જીનું આ નિવેદન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નિવેદનના એક અઠવાડિયા બાદ આવ્યું છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું, ’બીએસએફ બંગાળના જુદા-જુદા વિસ્તારોમાં ઘૂસણખોરીની પરવાનગી આપી રહ્યું છે અને મહિલાઓ પર અત્યાચાર કરી રહ્યું છે. તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) બોર્ડરની રક્ષા કરતી નથી. બોર્ડરની રક્ષા કરવી ટીએમસીના હાથમાં નથી. જો કોઈ ઘૂસણખોરી માટે ટીએમસી પર આરોપ લગાવશે તો તેને હું જણાવીશ કે આ બીએસએફની જવાબદારી છે.’
- Advertisement -
મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે ’ડીજીપીને તપાસ કરવા અને તે વિસ્તારોની ઓળખ કરવાના ઑર્ડર આપવામાં આવશે જ્યાંથી બીએસએફ ઘૂસણખોરીની પરવાનગી આપી રહ્યું છે. પોલીસ અને કેન્દ્રની પાસે તેની તમામ જાણકારી છે. હું આ વિશે કેન્દ્ર સરકારને પત્ર પણ લખીશ.’
કોનો વિરોધ કરવામાં આવશે?
પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં શાંતિને લઈને મમતા બેનર્જીએ કહ્યું, ’તેમની સાથે અમારી કોઈ દુશ્મની નથી પરંતુ ગુંડાને રાજ્યમાં પ્રવેશ કરવા દેવામાં આવી રહ્યો છે. તે લોકો ગુનો કરે છે અને બોર્ડર પાર કરીને પાછા જતા રહે છે અને આવું બીએસએફના કારણે જ થઈ રહ્યું છે અને તેની પાછળ કેન્દ્ર જવાબદાર છે. જો કોઈ બંગાળમાં આતંકી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરશે તો તેનો વિરોધ કરવામાં આવશે.’