રેલવેએ બનાવેલા બોક્સને પુશ ટેકનોલોજીથી ખસેડી રસ્તો કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટનાં ડો. દસ્તુર માર્ગ પર રેલવે નાળાની કામગીરી આગળ વધારવામાં આવશે. ગત બજેટમાં આ માટેની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં અગાઉ રેલવેને રૂ. 2.73 કરોડ ચુકવવામાં આવ્યા હતા. જોકે રિવાઇઝડ એસ્ટીમેન્ટ મુજબ રેલવે દ્વારા વધુ રૂપિયા 1.39 કરોડની માગ કરાઈ હતી. મનપાએ રકમ ચૂકવવા માટે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત સહિતની પ્રક્રિયા કરવાની હોવાથી રેલવે દ્વારા કામગીરી અટકાવી દેવામાં આવી હતી. જોકે હવે મનપા દ્વારા બાકી રકમ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હવે રેલવે આ નાળા માટે ખાસ બનાવેલા બોક્સોને પુશ ટેકનોલોજીથી ખસેડી રસ્તો કરી આપશે. ટૂંક સમયમાં આ નાળું તૈયાર થતા હજારો વાહનચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે. પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં હાલ એસ્ટ્રોન ચોક અને હેમુગઢવી હોલ પાછળ એમ બે નાળા આવેલા છે. જોકે આ બંને સ્થળે ભારે ટ્રાફિક રહેતો હોવાથી મનપાએ ગત બજેટમાં ડો. દસ્તુર માર્ગનાં છેડે વધુ એક નાળું બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ માટેની તમામ કાર્યવાહી કરી અંદાજે રૂ. 4 કરોડની આ કામગીરી માટે રેલવે વિભાગને 2.73 કરોડ ચૂકવી દીધા હતા. જોકે રેલવેએ રિવાઇઝડ એસ્ટીમેન્ટ કરીને બાકીની રકમ રૂ. 1.39 કરોડ ભરવાની માગ કરી હતી. આ રકમ ભરપાઈ નહીં થતા કામ બંધ કરવામાં આવ્યું હતું. જોકે આ અગાઉ રેલવે વિભાગે નાળા માટેના બોક્સ બનાવ્યા હતા. જે હાલ પણ ત્યાં પડ્યા છે. રાજકોટ મનપાનાં સિટી એન્જિનીયર અતુલ રાવલે આ અંગે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મનપા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં અંડરબ્રિજ, ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત હોમી દસ્તૂર માર્ગથી આગળ હેમુગઢવી હોલ અને એસ્ટ્રોન ચોક નાળાની વચ્ચે એક નવો માર્ગ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ માટે રેલવેને અગાઉ રૂ. 2.73 કરોડ ચૂકવાયા હતા અને રેલવે દ્વારા આ માટે બોક્સ બનાવવા સહિતની કામગીરી શરૂ થઈ હતી. જોકે બાકી રકમ નહીં મળતા કામ અટક્યું હતું, પરંતુ હવે મનપાએ બાકી રકમ ચૂકવી દીધી હોવાથી રેલવે દ્વારા ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવનાર છે.
નાળાનો ટ્રાફિક હળવો થતા લોકોને મોટી રાહત મળશે
દરમિયાન મનપા દ્વારા જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી રેલવેને બાકીની રકમ રૂ. 1.39 કરોડ ચૂકવી દેવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. ત્યારે હવે આ રકમ મળતા જ રેલવે દ્વારા બનાવવામાં આવેલા બોક્સને આ પુશ ટેકનોલોજી માધ્યમથી જે જગ્યાએ નાળું બનાવવાનું છે ત્યાં ગોઠવી દેવામાં આવશે અને નાળા માટેનો રસ્તો ખુલ્લો કરવામાં આવશે. ત્યારબાદ અહીં ડામર રોડ કરી દેવામાં આવશે. જેને પગલે વધુ એક રસ્તો ખુલ્લો થતા બંને બાજુ રહેતા હજારો લોકોને દરરોજ અવરજવર માટે વધુ એક રસ્તો મળશે અને એસ્ટ્રોન નાળાનો ટ્રાફિક હળવો થતા લોકોને મોટી રાહત મળશે.