શક્ય ત્યાં સુધી ચર્ચા કરી ઉકેલ લાવવા પ્રયાસ : મ્યુ. કમિશનર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માર્ચ મહિનો નજીક આવતો હોવાથી બાકીવેરો વસુલ કરવાની ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. હાલ ટાર્ગેટ પૂરો કરવામાં ઘણું છેટું હોવાથી સરકારી મિલકતોનો બાકીવેરો વસૂલવામાં આવે તેવી શક્યતા છે. જેમાં સૌથી મોટા સરકારી બાકીદાર રેલવે તંત્ર દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદા, ખઘઞ, વેરો ભરવા સંમતિ છતાં એક રૂપિયો પણ ભરવામાં આવ્યો નથી. ત્યારે હવે મનપા તંત્ર દ્વારા 17 કરોડના બાકી વેરાને લઈને ક્ધટેમપ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવા માટેની વિચારણા ચાલી રહી છે. જોકે, મ્યુ. કમિશનરે આ અંગે જણાવ્યું કે, શક્ય ત્યાં સુધી રેલવે તંત્ર સહિત બધી સરકારી કચેરીઓનાં ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને બાકીવેરો વસૂલવા પ્રયાસ થશે.
પ્રાપ્ત વિગત મુજબ, અંદાજે 10 વર્ષ અગાઉ બાકી વેરા માટે રેલવે સામે મહાનગરપાલિકા સુપ્રીમ કોર્ટ સુધી લડી હતી. તે સમયે રેલવે તંત્રએ થોડો વેરો ભર્યો હતો અને કેન્દ્રીય કચેરીએ વેરા ભરવાના હોય નહીં, તેવું વલણ અખત્યાર કર્યું હતું. રેલવે તંત્ર સામેના લાંબા કોર્ટ કેસના અંતે મનપાની તરફેણમાં માર્ગદર્શન આવ્યું હતું. આમ છતાં રેલવે દ્વારા વેરો ભરવામાં આવતો નથી. રાજકોટમાં જુદા જુદા રેલવે સ્ટેશન, કવાર્ટર, લોકો કોલોની સહિતની રેલવેની મિલકત દાયકાઓથી આવેલી છે. તમામ નાગરિકોની જેમ અહીં રહેતા અને કામ કરતા કર્મચારીઓ, પરિવારોને ડ્રેનેજ, લાઇટ, પાણી, રસ્તા સહિતની સુવિધા આપવામાં આવે છે.
જોકે, રેલવે તંત્ર દ્વારા કયારેય વેરો ભરાતો નહોતો. જેને લઈને પૂર્વ કમિશનર વિજય નહેરાના સમયમાં દિલ્હીથી મજબુત કાનુની માર્ગદર્શન મેળવીને રેલવે સામે સુપ્રીમ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. લાંબી કાનુની લડાઇના અંતે સુપ્રીમનો ચુકાદો આવતા બંને પક્ષે ખઘઞ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ કરવામાં આવ્યા હતા. આ બાદ રેલવેએ વેરો ભરવાનો થતો હતો, જે તે સમયે થોડો ટેકસ ચુકવ્યો હતો. પરંતુ બાદમાં ફરી વેરો ભરવાનું બંધ કરી દેતા સરકારી કચેરી સામે કોર્પો. કડક કાર્યવાહી કરતી ન હતી. અત્યાર સુધીના રેલવે તંત્રના બાકી વેરાની વાત કરવામાં આવે તો અગાઉ રૂ. 30 કરોડના મુળ લેણા સામે અમુક ચાર્જ બાદ કરી રૂ. 17 કરોડ રૂપિયા ભરશે તેવું રેલવેએ કહ્યું હતું. આમ છતાં તેમાંથી પણ કોઇ ટેકસ ભર્યો નથી. આથી સુપ્રીમના ચુકાદાનો અમલ ન કરવા બદલ હવે કેન્દ્રીય વિભાગ સામે કોર્ટની અવમાનનાનો કેસ દાખલ કરવા વિચારણા શરૂ થઇ છે. જોકે, સરકારી કચેરીના કારણે અન્ય મિલકતોની જેમ જપ્તી કે સીલના પગલા લઇ શકાતા નથી. ત્યારે હવે મનપા દ્વારા અન્ય રસ્તાઓ અપનાવવામાં આવે તેવી શક્યતા છે.
- Advertisement -
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ રેલવેએ વેરો ન ભર્યો
સમગ્ર મામલે મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, રેલવે સહિત તમામ સરકારી વિભાગોએ ટેક્સ ભરવો ફરજીયાત હોય છે. રેલવેની મેટર અગાઉ સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી અને તેમાંથી પણ ચુકાદો મનપાની તરફેણમાં આવ્યો હતો. જોકે, રેલવે સહિતની સરકારી કચેરીઓનાં ઉચ્ચ અધિકારીઓ સાથે વન ટુ વન બેઠક કરીને સમસ્યા ઉકેલવા અમારો પ્રયાસ રહેશે. સુપ્રીમ કોર્ટનો ઓર્ડર હજુ મારે ડિટેઇલમાં જોવો પડશે. ત્યારબાદ આગળ કોઈપણ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ તે પહેલાં અધિકારીઓ સાથે ચર્ચા કરી તેમના ધ્યાન ઉપર વાત મુકવામાં આવશે. તેમજ ટેક્સ ન ભરવા માટે જે કોઈપણ કાર્યવાહી નિયમ મુજબ થતી હોય એ કરવામાં આવશે.