આજે 20 જિલ્લામાં વરસાદની આગાહી
ગાઢ ધુમ્મસથી વાહનચાલકો પરેશાન
- Advertisement -
ગાઢ ધુમ્મસ સાથે ભારે પવન ફૂંકાવાની સંભાવના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઉત્તર-પશ્ર્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભરશિયાળે ભાદરવાનાં એંધાણ હવામાન વિભાગે વ્યક્ત કર્યાં છે. આજથી ત્રણ દિવસ એટલે કે, 26, 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. 3 દિવસ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ એટલે કે, 2.5 મિમીથી માંડીને અઢી ઈંચ સુધીનો વરસાદ પડે તેવી વકી છે. આ દરમિયાન પ્રતિકલાકે 30થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. કમોસમી વરસાદની શક્યતા 51%થી 75% છે. ભરશિયાળે ચોમાસા જેવી સ્થિતિને પગલે લઘુતમ તાપમાન 2થી 4 ડિગ્રી વધશે, એટલે ઠંડી ઘટશે.
બીજી તરફ શિયાળુ પાકને લઈને ખેડૂતો ભારે મુસીબતમાં મુકાયા છે, કારણ કે ગાઢ ધુમ્મસને કારણે શિયાળા પાક પર અસર થઈ રહી છે, તેમાં જો કમોસમી વરસાદ પડશે તો ધરતીપુત્રોને રાતા પાણીએ રોવાનો વારો આવી શકે છે. હાલ ખેડૂતો કુદરતને એટલી જ પ્રાર્થના કરી રહ્યા છે કે, આ ઘાત માથેથી ટળે…
- Advertisement -
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે, જેથી ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. હાલમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહ્યું છે, જેથી આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન ઠંડીનું જોર ઓછું રહેશે. ત્યારબાદ ધીમે ધીમે ક્રમશ: તાપમાનમાં ઘટાડો થતા ફરી એક વખત ઠંડીનું મોજું ફરી વળશે. હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યના લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અને ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓમાં વહેલી સવારથી જ ધુમ્મસ છવાયેલું છે, જે બપોર સુધી યથાવત્ રહેવાની શક્યતાઓ છે. વરસાદની આગાહી સાથે પાંચથી દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અથવા તો તેનાથી પણ વધુ ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના રહેલી છે.
મહેસાણાના ખેરવા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. રમેશભાઈ પટેલે જણાવ્યું કે, છેલ્લા પાંચેક દિવસથી મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધતાં ધુમ્મસ અને ઝાકળવર્ષા થઈ રહી છે, એમાં પણ આજ(26 ડિસેમ્બર)થી માવઠાંની શક્યતા છે. ડહોળાયેલા વાતાવરણની સીધી અસર મોટાભાગના પાકો પર પડી શકે છે. જેમાં રાઈના પાકમાં મોલોમસી નામની જીવાત પડી શકે છે. તેમજ વરિયાળી અને જીરુંના પાકમાં ચરમીના રોગની શક્યતા છે. આ ઉપરાંત દિવેલાના પાકમાં કાતરા પડવાની સાથે બેઠેલી માળ પડી જવાની શક્યતા વધી જશે.
પાટણ જિલ્લામાં શિયાળુ પાક વાવેતર વિસ્તારની દૃષ્ટિએ જોતા જિલ્લાના સરસ્વતી તાલુકામાં 6000 હેક્ટર વિસ્તારમાં પિયત ઘઉંનું વાવેતર થયેલ છે. જ્યારે રાધનપુર પંથકમાં 4965 હેક્ટર અને પાટણ પંથકમાં 4014 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયેલું છે. જિલ્લાના સાંતલપુર તાલુકામાં 27240 હેક્ટરમાં જીરું વવાયું છે. તે ઉપરાંત રાધનપુર પંથકમાં પણ 8285 હેક્ટરમાં જીરુંનું વાવેતર થયેલ છે.
સુરતમાં સૌથી વધુ ભેજનું પ્રમાણ નોંધાયું
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુતમ તાપમાન નલિયામાં નોંધાયું હતું. નલિયામાં ગતરાત્રિએ 9.8 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત વડોદરામાં સૌથી વધુ લઘુતમ તાપમાન નોંધાયું હતું. વડોદરા શહેર ગતરાત્રિ દરમિયાન સૌથી ઓછી ઠંડી ધરાવતું શહેર નોંધાયું હતું, જ્યાં લઘુતમ તાપમાન 19 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. અમદાવાદમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન 18.6 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 11 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 18.4 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત વહેલી સવારે સુરતમાં સૌથી વધુ 92% ભેજનું પ્રમાણ વાતાવરણમાં નોંધાયું હતું. એટલે કે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.