વેરાવળ પાલિકા દ્વારા 10 સરકારી કચેરીઓ સામે લાલા આંખ પ્રોપર્ટી ટેક્સ ના ભરતા નોટિસ
પાલિકાએ અનેકવાર નોટિસો પાઠવી છતાં રકમ ભરવામાં ઠાગાઠૈયા: પ્રોપર્ટી ટેક્સ વસૂલી માટે નોટિસ વોરંટ ઇસ્યુ કરાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.25
વેરાવળમાં બાકી કરવેરા અને ટેક્સ રકમની વસૂલાત મુદ્દે પાલિકા તંત્ર આકરા પાણીએ આવ્યું. શહેરમાં કાર્યરત સરકારી કચેરીઓ બાકી રકમ ભરપાઈ કરવામાં ઉદાસીન વલણ દાખવી રહ્યી છે, જેથી આખરે પાલિકા તંત્રએ કાર્યવાહી હાથ ધરી મેરીટાઇમ બોર્ડ, જેટકો, રેલવે સ્ટેશન સહિત રાજ્ય અને કેન્દ્ર સરકારની 10 જેટલી કચેરી પાસે બાકી કરવેરાની રૂ.3.65 કરોડની રકમની વસૂલાત કરવા માટે નોટિસ વોરંટ ફટકાર્યો છે.
આ દરમિયાન તાજેતરમાં મળેલી એક બેઠકમાં આ મુદ્દે ચર્ચાઓ થઇ ત્યારે, આર.સી.એમ. અને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ બાકી કરવેરાની રકમની વસૂલાત કરવાની કામગીરી ઝડપી અને અસરકારક રીતે કરવા સુચના આપી હતી. જેને લઈને શહેરમાં કાર્યરત 10 જેટલી સરકારી કચેરી પાસે બાકી રૂ.3.65 કરોડની કરવેરાની રકમ વસૂલ કરવા આખરી નોટિસ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યા છે. આ સરકારી કચેરીઓમાં સૌથી વધુ મેરીટાઈમ બોર્ડ બંદર પાસે રૂ.1.65 કરોડ, જેટકો પાસે રૂ.72.41 લાખ, રેલવે સ્ટેશનના રૂ.55.24 લાખ, પોસ્ટ ઓફિસ કચેરીના રૂ.34.93 લાખ, તાલુકા પંચાયત કચેરીના રૂ.13.38 લાખ, એફ.સી.આઈ ગોડાઉનના રૂ.10.10 લાખ, ડીઈઓ કચેરીના રૂ.9.38 લાખ, સિંચાઈ કચેરીના રૂ.2.41 લાખ, મામલતદાર કચેરીના રૂ.1.88 લાખ અને સરકારી હોસ્પિટલના રૂ.56 હજાર મળી કુલ રૂ.3.65 કરોડની કરવેરાની રકમ બાકી છે. જો સમયસર આ બાકી લેણી રકમ ભરપાઈ નહીં કરાય તો મિલકત જપ્તીની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું છે.