સદીઓ જુની નાથુલા સરહદ ફરી ખુલ્લી કરવા ભારત અને ચીન સંમત
હાલ ચીનની મુલાકાતે રહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે છ મુદ્દાઓ પર સમજુતી સધાઇ
સરહદ પર શાંતિ જળવાઇ રહે તેને અગ્રતા : બંને દેશો વચ્ચે અનેક મહાનગરોને સાંકળી લેતી વિમાની સેવા શરૂ થશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.19
ભારત અને ચીન વચ્ચેના સરહદી સહિતના સંબંધો સુધારવા લાગ્યા છે અને બંને દેશોએ લદાખ સહિતના ક્ષેત્રોમાં જે સૈન્ય લગભગ સામે સામે આવી ગયા હતા તેમને 2020 પૂર્વેની સ્થિતિએ લાવીને તનાવ ઘટાડયો છે. બંને દેશોએ છ એવા મુદાઓ નકકી કર્યા છે કે જયાં ફરી એક વખત આગળ વધી શકે છે અને તેમાં કૈલાસ માનસરોવરની યાત્રા ફરી એક વખત ચીનના અંકુશવાળા વિસ્તારમાંથી યોજી શકાય તે માટે સંમતિ બની રહી છે. આ ઉપરાંત ભારત અને ચીન વચ્ચેના વ્યાપાર માટે જે મહત્વપૂર્ણ નાથુલા બોર્ડર છે તે પણ ફરી ખુલ્લી કરાશે. હાલ ચીનના પ્રવાસે રહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચેની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. વિદેશ મંત્રાલયે આ અંગે એક નિવેદનમાં કહ્યું હતું કે, સરહદ પારના સંબંધોમાં સહકાર વધારવા માટે ભારત અને ચીન સંમત થયા છે.જેમાં કૈલાસ માનસરોવર યાત્રા ફરી એક વખત ચીનના માર્ગેથી યોજી શકાશે.
એટલું જ નહીં બંને દેશો જમીની સરહદથી વધુ સરળ રીતે વ્યાપારી સમજુતી કરશે. ભારત અને ચીને વર્તમાન સ્થિતિમાં શાંતિપૂર્ણ સંબંધો જાળવી રાખવાની જે અગત્યતા છે તેને ઓળખી છે અને 2020 બાદ જે કંઇ તનાવ સર્જાયો હતો તેને ઘટાડવા માટે સતત પ્રયાસો થશે. બંને દેશોએ જે છ મુદા પર આગળ વધવા નિર્ણય લીધો છે તેમાં તબકકાવાર જાહેરાત કરાશે. ખાસ કરીને સરહદી અથડામણ ન થાય તે જોવા માટે મીકેનીઝમ ઉભુ કરાશે. ઉપરોકત બંને દેશો એકબીજાની ઉશ્કેરણી ન થાય તે પણ જોશે. ભારત અને ચીન વચ્ચે ફરી એક વખત સીધી વિમાની સેવાઓ પણ શરૂ થશે અને બંને દેશોના વધુ ક્ષેત્રોમાં આ સેવાઓ લંબાવાશે.