ખાસ-ખબરના અહેવાલ બાદ…
તાલુકા વિકાસ અધિકારી અને તલાટીની હાજરીમાં ગૌચર પર દબાણ દૂર કરાયું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
રાજ્યના સરકારી જમીનો પર દબાણ કાર્યની સાથે ગૌચર પણ છોડવામાં આવી નથી જે અંગે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ રાજ્ય સરકારને તમામ સરકારી અને ગૌચર જમીનો પર થયેલા ગેરકાયદેસર દબાણો ખુલ્લા કરવા આદેશ અપાયો હતો પરંતુ મોટાભાગે સરકારી જમીન અને ગૌચર પર રાજકીય આગેવાનો અથવા તો તેઓના લાગતા વળગતા સ્વજનો દ્વારા જ દબાણ કરાયું હોવાથી તંત્ર પણ હવાતિયાં મારીને બાદમાં શાંતિથી બેસી જાય છે આ પ્રકારનો જ કિસ્સો ધ્રાંગધ્રા ખાતે પણ પ્રકાશમાં આવ્યો હતો જેમાં ભેચડા ગામના જાગૃત નાગરિક દ્વારા પોતાના ગામની ગૌચર જમીન પર કેટલાક ઈસમ દ્વારા કરેલ દબાણ બાબતે ઉચ્ચસ્તરે રજૂઆત કરી હતી પરંતુ અન્ય રજૂઆતની માફક આ લેખિત રજૂઆત પણ કોઈ ધ્યાને લેવામાં આવી ન હતી
જે બાદ જાગૃત નાગરિક દ્વારા લેન્ડ ગ્રેબિંગ મુજબ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને અરજી કરાઈ હતી જે અરજીના અનુસંધાને જિલ્લા કલેકટર દ્વારા એકાદ મહિના પૂર્વે જ ગૌચર જમીન પર દબાણ કરનાર ઈસમો સામે લેન્ડ ગ્રેબિંગ મુજબ ફરિયાદ નોંધવાનો હુકમ કરાયો હતો પરંતુ સ્થાનિક તંત્રે કોઈ કારણોસર જિલ્લા કલેક્ટરના હુકમ થયા બાદ પણ ગુન્હો નોંધવામાં ઢીલી નીતિ રાખી હતી. જેથી આ મામલે “ખાસ – ખબર” દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરતા અંતે ધ્રાંગધ્રા તાલુકા વિકાસ અધિકારી અનીરૂદ્ધસિહ પરમારને સમગ્ર મામલો ધ્યાને આવતા તાત્કાલિક ભેચડા ગ્રામ પંચાયતના તલાટીને ગૌચર જમીન દબાણ દૂર કરી ખુલ્લી કરવા આદેશ કર્યા હતા જે બાદ અંતે ગઈ કાલે તાલુકા વિકાસ અધિકારી તથા તલાટીની હાજરીમાં ગૌચર જમીન પર વાવેતર કરેલ એરંડા પર જે.સી.બી ચલાવી કાચી દિવાલનું દબાણ દૂર કરાયું હતું.