શ્રી પંચનાથ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નવા પ્રવેશ માટેના ફોર્મ મેળવવા પંચનાથ મંદિરની ઓફીસ ખાતે વાલીઓ સંપર્ક કરે
ફક્ત 30 વિદ્યાર્થીઓના ક્લાસમાં શિક્ષિત, તાલીમબદ્ધ અને અનુભવી એવા 2 શિક્ષકો દ્વારા વ્યક્તિગત માર્ગદર્શન અને પ્રવૃતિ આધારિત શિક્ષણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં પંચનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણરૂપી જ્ઞાનનો પ્રવાહ શરૂ કરાયો છે જેમાં અત્યંત જરૂરિયાત વર્ગના બાળકો અંગ્રેજી માધ્યમ શાળામાં અભ્યાસ કરવાનું સ્વપ્ન પૂરું કરી શકે તે માટે શાળા શરૂ કરી છે. અહીં નર્સરી થી અભ્યાસ શરૂ કરી બાળકો ને ઓડિયો વિઝ્યુઅલ ના માધ્યમથી અભ્યાસ કરાવવામાં આવે છે તેમજ ગમ્મત સાથે જ્ઞાન પીરસવામાં આવે છે. આજના સમયમાં બાળકોના અભ્યાસ અને કારકિર્દી અંગે પ્રત્યેક વાલીઓ વધુ જાગૃત બન્યા છે ત્યારે શ્રી પંચનાથ ઇંગલિશ મીડીયમ સ્કૂલમાં શાળાના ટ્રસ્ટી શ્રી દેવાંગભાઈ માકડ તથા ડાયરેક્ટર શ્રી પલ્લવીબેન મહેતાના માર્ગદર્શન હેઠળ અનેક પ્રવૃત્તિઓ આયોજિત કરી બાળકોને વ્યક્તિગત માર્ગદર્શન આપીને વિવિધ કૌશલ્ય વિકસાવવાના પ્રયત્નો કરવામાં આવે છે.
- Advertisement -
શાળામાં પર્વોની રંગીન ઉજવણીથી લઈને રમતગમતની હરીફાઈઓ સુધી, બાળકો ઘણી મજા અને ગમ્મત થકી ઘણું શીખવવામાં આવે છે. એટલું જ નહીં, આ પ્રવૃત્તિઓ દ્વારા સહકાર, સર્જનાત્મકતા, લીડરશીપ, સેવા અને આત્મવિશ્વાસ જેવા ગુણો પણ વિદ્યાર્થીઓ માં કેળવવામાં મદદ કરે છે.શાળામાં વિદ્યાર્થીઓને સમગ્ર વિકાસ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. શાળાના સંચાલકો અને શિક્ષકો વિદ્યાર્થીઓને તેમના સપના સાકાર કરવા માટે તૈયાર કરવા માટે સમર્પિત છે. શાળામાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મદદ કરે છે. વિદ્યાર્થીઓને શિક્ષણ માટે જરૂરી સામગ્રીઓ જેવી કે યુનિફોર્મ, સૂઝ, સોક્સ, સ્વેટર, અભ્યાસમાં જરૂરી વર્કશીટ, કલર, વોટર બોટલ, લંચબોક્સ વગેરે શાળા દ્વારા જ આપવામાં આવેલ છે અને સાથોસાથ અહી બાળકોને દરરોજ 2 નાસ્તા આપવામાં આવે છે જેમાં 1 ગરમ નાસ્તો, ફ્રુટ અને કઠોળ નો પણ સમાવેશ થાય છે.
શ્રી પંચનાથ ઈંગ્લીશ મીડીયમ સ્કુલમાં આધુનિક ટેકનોલોજીથી સજ્જ એવા સ્માર્ટક્લાસ માં વિદ્યાર્થીઓને આકર્ષક રીતે શિક્ષણનો અનુભવ પ્રદાન કરે છે. તેમ જ બાળકોને અત્યારથી જ કમ્પ્યુટર શિક્ષણ લેપટોપના માધ્યમથી આપીને પ્રેક્ટીકલ કરાવી તેમની શીખવાની પ્રક્રિયાને જીવંત બનાવે છે અને વિદ્યાર્થીઓને વૈશ્વિક જ્ઞાન સુધી પહોંચવા માટે સક્ષમ બનાવે છે. બાળકોમાં સુષુપ્ત કલાકારને બહાર લાવવા માટે ચિત્રકામ અને હસ્તકલા જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે. આ પ્રવૃત્તિઓ બાળકોને તેમની કલ્પનાશક્તિને વેગ આપવા, કૌશલ્ય વિકસાવવા અને આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે. સ્વચ્છ વાતાવરણનું મહત્વ સમજવા માટે પંચનાથ સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓને શાળાની સફાઈમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરેલ અને સફાઈની આ પ્રવૃત્તિઓ બાળકોને જવાબદારીની ભાવના કેળવવા, ટીમવર્ક શીખવા અને સ્વચ્છ વાતાવરણ જાળવવાના મહત્વને સમજવામાં મદદ કરે છે.
શ્રી પંચનાથ અંગ્રેજી માધ્યમ શાળામાં વિદ્યાર્થીઓનો નર્સરીમાં પ્રવેશ થતાં જ ભણતરની સાથે હિન્દુ ધર્મ અને રાષ્ટ્ર ભાવનાના સંસ્કાર સિંચન કરવાનો પંચનાથ સ્કુલના સંચાલકોનો મુખ્ય ઉદ્દેશ છે. પંચનાથ સ્કુલ બાળકોને નાનપણથી જ રાષ્ટ્ર ભાવનાના સંસ્કાર સિંચન કરવાનો પ્રયાસ કરી રહી છે. પંચનાથ સ્કુલમાં પ્રત્યેક ધાર્મિક અને રાષ્ટ્રીય ઉત્સવોની ઉજવાણી ખુબ જ શાનદાર રીતે કરવામાં આવે છે. લાઈફ સ્કીલ એક્ટીવીટી અંતર્ગત બાળકોના જીવનમાં કૌશલ્યનો વિકાસ થાય તે પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે તેમ જ બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું પણ સિંચન કરવામાં આવે છે.
- Advertisement -
બાળકોમાં આત્મવિશ્વાસ અને દરેક પ્રકારની ક્ષમતા તેમ જ સ્વતંત્રતા કેળવાય તેમ જ બાળકોની આંતરિક શક્તિ ખીલી ઉઠે એવી પ્રવૃતિઓ કરાવવામાં આવે છે જેમાં બાળકો પણ આનંદથી ઉત્સાહભેર ભાગ લે છે અને સહકાર આપે છે. બાળકોને જ્ઞાન ની સાથે ગમત પીરસવા અને બહારની દુનિયાથી સભાનતા કેળવવા માટે શ્રી પંચનાથ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ દ્વારા સમયાંતરે પીકનીકનું આયોજન કરવામાં આવે છે. અહી ફક્ત 30 વિદ્યાર્થીઓના પ્રત્યેક ક્લાસ માં શિક્ષિત, તાલીમબદ્ધ અને અનુભવી એવા 2 શિક્ષકો દ્વારા બાળકોને મહિનાની ખૂબ જ નજીવા દરે વ્યક્તિગત રીતે શિક્ષણ આપવામાં આવે છે.
સમયાંતરે વિઝન, મિશન, અભ્યાસક્રમ તથા શૈક્ષણિક પદ્ધતિઓ વિષે માહિતગાર કરવા પેરેન્ટ્સ ટીચર મીટીંગ ગોઠવવામાં આવે છે જેમાં વાલીઓને બાળકોના અભ્યાસ માટે ઉદભવતા દરેક પ્રશ્ર્નોના નિરાકરણ લાવવા તથા વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે ગૌરવપૂર્ણ ભવિષ્ય માટે પ્રયાસો કરવામાં આવે છે અને શાળા દ્વારા કરાવવામાં આવતા પ્રોજેક્ટ, વિવિધ પ્રવૃતિઓ તથા અભ્યાસક્રમ વિષે વાલીઓને માહિતી આપવામાં આવે છે. 60 વિધ્યાર્થીઓને પ્રવેશ આપવાનો હોવા છતાં ગયા વર્ષે પ્રવેશ માટે વાલીઓનો ખૂબ જ ધસારો હતો અને 400 જેટલા ફોર્મ આવેલા હતા એ જ શ્રી પંચનાથ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની સફળતા દર્શાવે છે. 2 વર્ષ દરમિયાન બાળકોના વાલીઓનો શ્રી પંચનાથ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પ્રવેશ માટે થતાં ધસારાને ધ્યાનમાં લઈને વધુ ને વધુ બાળકો આ શિક્ષણ ના પ્રવાહ નો લાભ લઈ શકે તે હેતુથી 30 વિધ્યાર્થીઓનો એક એવા બે વર્ગો કરવામાં આવશે.
જેમાં 3 થી 4 વર્ષના બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જો આપનું એક બાળક પંચનાથ સ્કૂલમાં અભ્યાસ કરતું હશે તો બીજા બાળકને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સિવાય પ્રવેશ ફોર્મ ભર્યા બાદ શાળાની ટીમ દ્વારા આપના ઘરે આર્થિક પરીસ્થિતિ અંગે ચકાસણી કરવામાં આવશે અને તપાસ કર્યા બાદ નિયમોનુસાર આપના બાળકને શાળામાં પ્રવેશ આપવામાં આવશે. આ પ્રક્રિયા કરવાનો હેતુ માત્ર ને માત્ર જરૂરિયાતવાળા વિધ્યાર્થીઓ જ્ઞાન નો લાભ મેળવી શકે એ જ છે.
શ્રી પંચનાથ ઇંગ્લિશ મીડિયમ સ્કુલમાં દરેક બાળકનો સર્વાંગી વિકાસથાય તે માટે ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ જેમાં પ્રમુખશ્રી દેવાંગભાઈ માંકડ,સેક્રેટરી મયુરભાઈ શાહ,વસંતભાઈ જસાણી,સંદીપભાઈ ડોડીયા, નિરજભાઈ પાઠક, મનુભાઈ ગોહેલ, ડી.વી.મહેતા,નારણભાઈ લાલકીયા, અનિલભાઈ દેસાઈ, ડો. રવિરાજ ગુજરાતી, નીતિનભાઈ મણિયાર, નિખીલભાઈ મહેતા, તે બધાજ ટ્રસ્ટીશ્રી જેહમત ઉઠાવી રહ્યા છે. આગામી વર્ષમાં શ્રી પંચનાથ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પ્રવેશ માટેના ફોર્મ આપવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે તો ઇચ્છુક વાલીઓ પ્રવેશ ફોર્મ મેળવવા શ્રી પંચનાથ મહાદેવ મંદિરની ઓફિસ ખાતે સંપર્ક કરે.