18 વર્ષ જૂના મિત્રએ સપ્તાહ, યજ્ઞનો કોન્ટ્રાક્ટ અપાવી દેવાનું કહી આચરી ઠગાઇ
મુંદ્રા, ગાંધીધામ, બનાસકાંઠાની કંપનીમાં પ્રોસેસ, ટેન્ડર, રજિસ્ટ્રેશન નામે પૈસા પડાવ્યાની ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના રૈયા રોડ ઉપર ડ્રીમ સિટીમાં રહેતા અને જનરલ સ્ટોર સાથે કર્મકાંડીનું પણ કામ કરતાં અશોકભાઇ જગજીવનભાઈ ધાંધીયા ઉ.42 નામના યુવાને ભુજના મીરજાપરના હિતેશ વાલજીભાઇ પરમાર તથા જગત, વિનોદ અને દલપત સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 8,24,950ની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે 2006-07માં ગોંડલ પંથકની એક કંપનીમાં હું હિતેશ સાથે નોકરી કરતો હોય જેથી ઓળખતો હતો દરમ્યાન ગત જાન્યુઆરીમાં હિતેશએ ફોન કરી શું કામ કરે છે તેવું પૂછતાં મે જનરલ સ્ટોર્સ અને કર્મકાંડનું કરતો હોવાનું જણાવતા પોતે ભુજ રહી મુંદ્રા, ગાંધીધામ, બનાસકાંઠાની વિવિધ કંપનીઓમાં ગાડીઓ કોન્ટ્રાકટ ઉપર આપવાનું કામ કરતો હોવાનું તેમજ તેને તમામ મોટી કંપનીઓમાં અધિકારીઓ સાથે ઓળખ હોય જેથી તેમાં સપ્તાહ, યજ્ઞ સહિતના વિવિધ શાસ્ત્રોક્ત કામ માટે પણ કોન્ટ્રાક્ટ આપવાનું જણાવ્યું હતું જો પોતાને આ કોન્ટ્રાકટ જોઈતો હોય તો પોતે વાત કરે એક કંપનીમાં એક મહિનામાં ત્રણ શ્રીમદ ભાગવત સપ્તાહ જેમાં એક સપ્તાહના 1.21 લાખ અને યજ્ઞ માટે 35 હજાર રૂપિયા મળશે તેવી લાલચ આપતા પોતે સહમતી દર્શાવી હતી
- Advertisement -
તે પછી પોતે કંપની હોય જેમાં રજીસ્ટ્રેશન ફી, ટેન્ડર ફી, પ્રોસેસ ફી, જીએસટી, પીડીએસ દંડ સહિત અલગ અલગ કંપનીના અલગ અલગ ચાર્જિસના નામે તેણે મારી પાસેથી 21-1-24થી 28-5-24 સુધીમાં કટકે કટકે 9,94,950 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા જે પછી કામ નહીં મળતા અલગ અલગ લોકો સાથે વાત કરાવી તમે પ્રોસેસ ઝડપથી પૂર્ણ કરો એટલે તમારું કંપનીમાં કામ શરૂ થઈ જાય તેવી વાત કરી હતી પણ કોઈ કામ શરૂ થયું ન હતું પૈસા પરત માંગતા દસ લાખના ચેકનો ફોટો મોકલ્યો હતો અને કહ્યું હતું કે આ ચેક તમને મોકલું છું પણ કોઈ ચેક આવ્યો ન હતો ફરી ઉઘરાણી કરતાં બએ લાખનો ચેક મોકલ્યો હતો પણ કોઈ ચેક મળ્યો ન હતો માત્ર 1.75 લાખ રૂપિયા જ પરત મળતા બાકીના સવા આંઠ લાખ રૂપિયા પરત નહીં મળતા અંતે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ પંડયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.