ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તા. 24-12-1998ના રોજ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર સી. એસ. બરંડા દ્વારા માલવિયાનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવેલી હતી કે તેઓએ આરોપી દિલીપભાઈ ભાણજીભાઈ ગણાત્રાના મનહર પ્લોટમાં આવેલ રહેણાંક મકાને ઝડતી તપાસ કરતાં આરોપીના ઘરેથી બોગસ ઈન્દિરા વિકાસપત્રો તથા બોગસ કોરા સ્ટેમ્પ પેપર મળી આવેલ હતા. જે અંગેની તપાસ દરમિયાન એવી હકીકત ખુલવા પામેલ કે અન્ય બોગસ રેવન્યુ સ્ટેમ્પ અન્ય આરોપી દિપકભાઈ બિપીનભાઈ પારેખ રહે. ગાંધીગ્રામના રહેણાંક મકાને રાખેલ છે તેવી હકીકત ખુલતા સી. એલ. બરંડાએ આરોપી દિપક પારેખના ઘરે રેડ કરતા તેઓના ઘરેથી રૂા. 1 દરની બોગસ રેવન્યુ સ્ટેમ્પ કુલ નંગ 25000 મળી આવેલ અને દિપક પારેખે અન્ય જગ્યાએ રાખવામાં આવેલ 74300 બોગસ રેવન્યુ સ્ટેમ્પ પણ પોલીસે કબજે કરેલ હતી.
- Advertisement -
ત્યાર બાદ ફરિયાદી સી. એસ. બરંડાએ પોતે ફરિયાદી બની માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં પ્રથમ ફરિયાદ નોંધાવેલ હતી અને બીજી રેડ અંગેની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી. ઉપરોક્ત બંને કેસની તપાસ સી. એલ. બરંડાએ તેમજ તેમના અન્ય પોલીસ અધિકારીઓએ તપાસ હાથ ધરેલ હતી. તપાસ દરમિયાન પોલીસે બોગસ ઈન્દિરા વિકાસપત્ર તથા બોગસ સ્ટેમ્પ પેપરો કબજે કરેલ હતા તેમજ ગુનાની તપાસ દરમિયાન કુલ આરોપીઓ દિલીપભાઈ ભાણજીભાઈ ગણાત્રા, જનક છગનભાઈ પટેલ, સરફરાજ અહેમદ ઉર્ફે હામીદ ગુલામ મુસ્તુફા અંસારી, સફાત અહેમદ મહોમદ મતીમ અંસારી, રાકેશ રજનીકાંત વિઠલાણી, દિપક બિપીનભાઈ પારેખ, સતીષ વસંતરાય ભટ્ટ, ઉમેશ વસંતરાય ભટ્ટ, અનીલ ઉર્ફે અબ્દુલ જયકિશન મીસ્ત્રી, સતીષ હરીરામ જેઠમલાણીને અટક કરેલ હતા અને ભક્તિના પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ બોગસ રેવન્ય સ્ટેમ્પના ગુનામાં કુલ આરોપીઓ દિપક બિપીનભાઈ પારેખ, સતીષ વસંતરાય ભટ્ટ, ઉમેશ વસંતરાય ભટ્ટ, અનીલ ઉર્ફે અબ્દુલ જયકિશન મીસ્ત્રી, રાકેશ રજનીકાંત વિઠલાણી, દિલીપભાઈ ભાણજીભાઈ ગણાત્રા, સતીષ હરીરામ જેઠમલાણી, કુમાર અમરુગામ પીલ્લાઈ, સરફરાજ અહેમદ ઉર્ફે હામીદ ગુલામ મુસ્તુફા, સફાત અહેમદ મહમદ મતીમ અંસારીનાઓને અટક કરેલ હતા.
ઉપરોક્ત બંને ગુનામાં અટક કરવામાં આવેલ આરોપીઓ વિરુદ્ધ તપાસ પૂર્ણ થતાં પોલીસે બે ચાર્જશીટો નામદાર સેશન્સ કોર્ટ સમક્ષ રજૂ કરેલ હતી, ત્યાર બાદ નામદાર કોર્ટે તમામ આરોપીઓ વિરુદ્ધ ચાર્જ નોંધી કેસ શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરેલ હતી. કેસ નામદાર સેશન્સ કોર્ટમાં શરૂ થતાં ચાલુ કેસ દરમિયાન આરોપીઓ દિલીપભાઈ ભાણજીભાઈ ગણાત્રા, દિપક બિપીનભાઈ પારેખ, રાકેશ રજનીકાંત વિઠલાણી, પરાગ શાંતિલાલ શાહ, અનીલ શાંતીલાલ શાહનું અવસાન થયેલ હતું જેથી તેઓ સામેના કેસ પડતો મૂકવામાં આવેલ હતો, તેમજ ચાલુ કેસ દરમિયાન અન્ય બે આરોપી સરફરાજ અહમદ ઉર્ફે હમીદ મુસ્તફા અંસારી, સફાત અહમદ મહમદ મતીન અંસારી નામના આરોપીઓ નાસતા ભાગતા હોય તેઓની સામેનો કેસ અલગ કરવામાં આવેલ હતો.
આ બંને કેસમાં કુલ મળીને 97 જેટલા સાક્ષીઓમાંથી 26 સાક્ષીઓની જુબાની નામદાર કોર્ટ સમક્ષ નોંધવામાં આવેલ હતી સાથે ફરિયાદ પક્ષ તરફે અનેક દસ્તાવેજી પુરાવા રજૂ રાખવામાં આવેલ હતા. ફરિયાદ પક્ષનો સંપૂર્ણ પુરાવો નોંધાયા બાદ નામદાર કોર્ટે તમામ આરોપીઓને ફરધર સ્ટેટમેન્ટ નોંધેલ હતા જે બાદ બંને કેસો આખરી દલીલના સ્ટેજ ઉપર આવી પહોંચેલ હતા.
ત્યાર બાદ ફરિયાદ પક્ષે અને આરોપી પક્ષે લંબાણપૂર્વકની દલીલો કરવામાં આવેલી હતી અને આરોપીને એડવોકેટ અંશ ભારદ્વાજે દલીલ કરતાં નામદાર કોર્ટને જણાવેલ હતું કે ન્યાય શાસ્ત્રના સિદ્ધાંત મુજબ આરોપીઓ પર અપરાધ સાબિત ન થાય ત્યાં સુધી કોઈ પણ આરોપી દોષીત નથી, વ્યાજબી શંકાનો લાભ એ આરોપીઓનો બંધારણીય અધિકાર છે, વધુમાં ભારદ્વાજે દલીલ કરેલ હતી કે ફરિયાદ પક્ષ આ કેસમાં પૂરતા પુરાવા નામદાર કોર્ટમાં રજૂ કરી શકવામાં નિષ્ફળ નીવડેલ છે.
વધુમાં પોતાની દલીલમાં ભારદ્વાજે જણાવેલ હતું કે પોલીસે તપાસ દરમિયાન જે કોઈ બોગસ ઈન્દિરા વિકાસપત્રો, બોગસ રેવન્યુ સ્ટેમ્પ, બોગસ સ્ટેમ્પ પેપર કબ્જે કર્યાનું જણાવેલ છે તે દસ્તાવેજો કોણે, ક્યારે, કઈ રીતે અને કઈ જગ્યાએ બનાવેલ છે તેમજ તે દસ્તાવેજોનું કેટલા સ્થળો પર કોણે વેચાણ કરેલ છે તેવી કોઈ હકીકત ઉજાગર કરેલ નથી. અંતમાં દલીલ કરવામાં આવેલ હતી કે ફરિયાદ પક્ષ પોતાનો કેસ પુરવાર કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નિવડેલ છે જે સંજોગોને ધ્યાને લઈ ભારદ્વાજે તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા નામદાર કોર્ટને વિનંતી કરેલ હતી. પોતાની દલીલના સમર્થનમાં બચાવપક્ષ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટના તેમજ નામદાર સુપ્રીમ કોર્ટના અનેકવિધ ચુકાદાઓ રજૂ રાખવામાં
આવેલ હતા.
નામદાર ડી. એસ. સિંધની કોર્ટે બંને કેસમાં કોર્ટ સમક્ષ નોંધાયેલ જુબાનીઓ, દસ્તાવેજી પુરાવાઓ તેમજ બંને પક્ષોની દલીલોને ધ્યાને લઈ અને તમામ આરોપીઓને છોડી મૂકવા હુકમ ફરમાવતા ઠરાવેલ હતું કે ફરિયાદ પક્ષ દ્વારા જે ઈન્દિરા વિકાસપત્રો અને સ્ટેમ્પ પેપરો કબજે કરેલ છે તે બોગસ છે કે કેમ? તે પુરવાર કરવાની જવાબદારી ફરિયાદ પક્ષની રહે છે. નામદાર કોર્ટે વધુમાં જણાવેલ હતું કે બંને કેસોમાં કબજે કરવામાં આવેલા ઈન્દિરા વિકાસપત્રો તેમજ સ્ટેમ્પ પેપરો બોગસ છે તે પુરવાર કરવા માટે કોઈ પુરાવો રજૂ કરેલ નથી. ઉપરાંતમાં નામદાર કોર્ટે ઠરાવ્યું હતું કે ઈન્દિરા વિકાસપક્ષો તેમજ સ્ટેમ્પ પેપરોની રિકવરી પણ શંકાસ્પદ છે તેમજ કબજે કરેલ દસ્તાવેજો ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસણી અંગે પણ મોકલવામાં આવેલ નથી. નામદાર કોર્ટે ઠરાવ્યું હતું કે આવા સંજોગોમાં જ્યારે દસ્તાવેજોની રિકવરી પૂરવાર થતી ન હોય અને રિકવર થયેલા દસ્તાવેજો બોગસ છે તેવું પણ પ્રસ્થાપિત થતું ન હોય તેવી પરિસ્થિતિમાં બચાવ પક્ષની દલીલો ગ્રાહ્ય રહે છે. જે અવલોકન બાદ તમામ આરોપીઓને શંકાનો
લાભ છોડી મૂકવા નામદાર કોર્ટે હુકમ ફરમાવેલ હતો.
- Advertisement -
આ કામમાં તમામ આરોપીઓ તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્ડ એસોસિએટ્સ તરફથી અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમા, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયસ શુક્લ, ચેતન પુરોહિત વગેરે રોકાયેલા હતા.