હરાજી સમયે રકમ બોલનાર 30 ઓટલા ધારકોએ નાણાં ન ભર્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડીમા શાકમાર્કેટના ઓટલાની હરાજી સમયે બોલવામાં આવેલ રકમ ભરપાઈ ન કરનાર ઓટલા ધારકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 18 ઓટલાને પાટડી નગરપાલિકા દ્વારા તાળાબંધી કરવામાં આવી છે.
- Advertisement -
વધુ મળતી માહિતી મુજબ પાટડી નગરની બજારમાં રેકડી રાખી વર્ષોથી શાકભાજી વેચવાનો વ્યવસાય કરતા લોકોને હટાવવા પાટડી નગરપાલિકા દ્વારા શાક માર્કેટ બનાવવામાં આવી હતી જેમાં ઓટલા નિર્માણ કરવામાં આવ્યા હતા. 52 ઓટલાની જાહેર હરાજી કરાઈ હતી હરાજીમાં ડિપોઝિટની રકમ પેટે 50 હજારથી 9 લાખ સુધીની બોલી બોલવામાં આવી હતી પરંતુ 30 જેટલા ઓટલા ધારોકે ડિપોઝિટ ન ભરતા પાટડી નગરપાલિકા દ્વારા વારંવાર નોટિસ ફટકારવામાં આવી હતી છતાં બાકીદારોએ ધ્યાને ન લેતા અંતે પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસર,ટેક્સ ઇન્સ્પેક્ટર સહિતની ટીમ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
18 ઓટલાને તાળા લગાવી કબજો મેળવી લેવાયો હતો. જ્યારે 12 ઓટલા ધારકોએ હરાજીની રકમ ભરી દેવાની ખાત્રી આપતા તેમને મુદત આપવામાં આવી હતી. નાણાની રકમ ભરપાઈ નહીં કરવામાં આવે તો કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે તથા વસુલાતની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેમ પાટડી નગરપાલિકાના ચિફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યુ હતું.



