સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળાનો કલેકટરના શુભહસ્તે પ્રારંભ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.12
વર્ષ 1955 થી યોજાતો સોમનાથનો પારંપરિક કાર્તિકી પૂર્ણિમા મેળો આ વર્ષે 11મી થી 15 નવેમ્બર સુધી યોજાયો છે.ત્યારે ગત સાંજે જિલ્લા કલેકટર ડી.ડી જાડેજાના શુભ હસ્તે અને ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એસપી મનોહરસિંહ જાડેજા, અધિક કલેકટર રાજેશ આલ, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, સહિતના રાજકીય અને સમાજિક અગ્રણીઓ તેમજ વિવિધ સમાજના મોભી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
સ્થાનિક જાણકારોનું કેહવુ છે કે સોમનાથ જ્યોતિર્લિંગના આદ્યસ્થાપક ચંદ્રદેવ કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ સોમનાથ જ્યોતિર્લિંગના શિખર પર આવે છે અને પોતાનો શીતળ પ્રકાશ વરસાવે છે. જેને અમૃતવર્ષા યોગ પણ કહેવામાં આવે છે. આ વિશેષ દિવસે ખગોળીય સંયોગમાં મધ્ય રાત્રિએ ચંદ્રદેવ સોમનાથ મંદિરના શિખરના કેન્દ્ર પર આવે છે, મહાદેવની ધ્વજા અને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એક સીધી હરોળમાં આવે છે.
કાર્તિકી પુર્ણીમા મેળો-2024 સોમનાથ બાયપાસ સમીપ ટ્રસ્ટના સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાશે. મેળામાં મનોરંજનના સાધનો, ખાણી-પીણીના સ્ટોલ, બાળકો માટે રમકડાં, તેમજ અન્ય વેચાણ સ્ટોલ, ઇન્ડેક્ષ-સી વિભાગના હસ્તકલા અને ગૃહઉદ્યોગની ગેલેરી, જેલના કેદીઓના ભજીયાનો સ્ટોલ, આકર્ષક સેલ્ફી પોઇન્ટસ, સોમનાથ 70 ચિત્ર પ્રદર્શની, સાથેજ પ્રતિદિન ગુજરાતી લોકસાહિત્યના શીર્ષના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કાર્તિકી પૂર્ણિમાના મેળાના 05 દિવસ દરમિયાન શ્રી સોમનાથ મંદિર રાત્રે 11 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. તેમજ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ સોમનાથ મંદિર રાત્રે 1 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. પૂર્ણિમાની મધ્યરાત્રિએ વિશેષ મહાપૂજા તેમજ મહાઆરતી કરવામાં આવશે.