દિવાળીના તહેવારની શરૂઆત થતાની સાથે જ વિવિધ ફૂલોના ભાવમાં ધરખમ વધારો થયો છે. જેમાં તમામ ફૂલોના ભાવમાં 30 થી 40 ટકાનો ઉછાળો નોંધાયો છે. ત્યારે ધનતેરસ અને ચોપડા પૂજનમાં ગુલાબ અને ગલગોટાની માગ વધી છે. જેને લઇ ફૂલ બજારમાં લોકોની ભીડ જામી હતી.
તહેવારોની સાથે સાથે ફૂલોના વેચાણમાં ધરખમ વધારો થાય છે. ત્યાર આ વર્ષે પણ દિવાળીના દિવસોમાં ફૂલ બજારોમાં શહેરીજનો રંગબેરંગી ફૂલોની ખરીદી કરવા માટે ઉમટ્યા હતા. જોકે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફૂલોના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જેમાં આશરે 40 નો ઉછાળો તમામ ફૂલોમાં થયો છે.
- Advertisement -
કેટલા રૂપિયાનો વધારો
બજારના ભાવ મુજબ 30-40 રૂપિયે કિલો મળતા ગલગોટાનો ભાવ 80 રૂપિયાએ પહોંચ્યો છે. જ્યારે 50 રૂપિયામાં મળતો ગુલાબનો હાર 100માં મળી રહ્યો છે. તો આસોપાલવનું 25 ફૂટ લાંબુ તોરણ 50 રૂપિયામાં મળતું હતું. તેનો ભાવ પણ 100 રૂપિયા થયો છે. આ ઉપરાંત લક્ષ્મીપૂજનમાં ખાસ વપરાતા કમળના ભાવમાં પણ ધરખમ વધારો નોંધાયો છે.
જમાલપુર ફૂલ બજારમાં ભીડ
- Advertisement -
તહેવારોને લઇ અમદાવાદના જમાલપુર ફૂલ બજારમાં ખરીદી માટે ગ્રાહકોની ભીડ જામી છે. લોકો મોંઘાભાવના ફૂલ લોકલ વેપારી પાસેથી ખરીદવાના બદલે જમાલપુર ફૂલ બજારમાં આવીને ખરીદી રહ્યા છે.
નાના વેપારીઓ વધારે ભાવ લે છે
લોકોનું કહેવું છે કે લોકલ વેપારીઓ 10-20 રૂપિયામાં માત્ર એક ગુલાબ આપે છે. અને ગલગોટાના હાર માટે નાના વેપારીઓ 50 થી 100 રૂપિયા વસૂલે છે. તેની સામે ફૂલ બજારમાંથી ફૂલો સસ્તા પડે છે. અન્ય ગ્રાહકે જણાવ્યું હતુ કે સિંધુભવન બાજુ જે ફૂલ 400 માં મળે તેજ ફૂલ આ બજારમાં અડધા ભાવે મળી રહ્યા છે. વધુમાં વેપારી નિમેશ મોદીએ જણાવ્યું હતુ કે હાલ ફૂલોની આવક સાથે માંગમાં વધારો જોવા મળ્યો છે. સારા વરસાદના કારણે ખેડૂતોને ઉપજ સારી મળી છે. સૌથી વધારે મોંધુ હાલ કમળ વેચાઇ રહ્યું છે. અને સૌથી વધારે માંગ ગુલાબની છે.