પોક્સો કોર્ટમાં નરાધમો સામે 100 સાક્ષીનાં નિવેદનો, ઋજક અને મેડિકલ રિપોર્ટ સહિતના પુરાવા ચાર્જશીટમાં રજૂ કરાયા
ચાર્જશીટમાં આરોપીઓને સજા આપવાના પૂરતા પુરાવા
ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને સીટના હવાલે કર્યા
સરકારે આરોપીને સજા અપાવવા બે વકીલો નીમ્યા
ખાસ-ખબર ન્યૂઝ વડોદરા
- Advertisement -
વડોદરા શહેરમાં નવરાત્રિના બીજા નોરતાની રાત્રે ગરબા રમવા નીકળેલી સગીરા ઉપર ભાયલી ગામની સીમમાં સામૂહિક દુષ્કર્મ આચરનારા આરોપીઓ સામે સોમવારે (21 ઓક્ટોબરે) જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે 6000 જેટલાં પાનાંની ચાર્જશીટ પોક્સો કોર્ટમાં રજૂ કરી હતી. નરાધમોને વહેલામાં વહેલી તકે કડક સજા થાય એ માટે જિલ્લા પોલીસ દ્વારા માત્ર 17 દિવસમાં ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરી દેવામાં આવી છે, જેમાં ત્રણેય નરાધમો સામે 100 સાક્ષીનાં નિવેદનો, ઋજક અને મેડિકલ રિપોર્ટ સહિતના પુરાવા રજૂ કરાયાં છે.
ધારાશાસ્ત્રી શૈલેષ પટેલે જણાવ્યું હતું કે 17 દિવસની કવાયત બાદ આજે ભાયલી સગીરા દુષ્કર્મ કેસના આરોપીઓ સામે અંદાજે 6000 પાનાંની ચાર્જશીટ પોક્સો કોર્ટમાં દાખલ કરી દેવામાં આવી છે. આ ચાર્જશીટમાં 100 જેટલા સાક્ષીઓનાં નિવેદનો, એફ એસ એલ રિપોર્ટ, મેડિકલ રિપોર્ટ સહિતના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે. આ તમામ પુરાવા આરોપીઓને સજા અપાવવા પૂરતા છે. આરોપીઓને વહેલામાં વહેલી તકે સજા મળે એવા અમારા પ્રયાસો હશે. શહેરના છેવાડે આવેલા ભાયલી- બીલ ટીપી રોડ ઉપર નવરાત્રિના બીજા નોરતે સગીર મિત્ર સાથે બેસવા માટે ગયેલી સગીરા ઉપર બે બાઇક ઉપર આવેલા 5 શખસમાંથી 3 હવસખોરે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાએ વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં સનસનાટી મચાવી મૂકી હતી. દરમિયાન આ ગેંગરેપ કેસમાં વડોદરા શહેર- જિલ્લા પોલીસ દ્વારા નરાધમોને ઝડપી પાડવા માટે આકાશપાતાળ એક કરી દીધા હતા. દરમિયાન શહેર ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં સંડોવાયેલા 5 નરાધમ મુમતાઝ ઉર્ફે આફતાબ સુબેદાર બનજારા, મુન્ના અબ્બાસ બનજારા, શાહરુખ કિસ્મતઅલી બનજારા તેમજ સૈફઅલી બનજારા અને અજમલ બનજારાની ધરપકડ કરી હતી. આ ઘટનાની તપાસ માટે બનાવવામાં આવેલી સીટના હવાલે કર્યા હતા.
તપાસ એજન્સી દ્વારા નરાધમોને બે વખત કોર્ટમાં રજૂ કરી પ્રથમ વખત 2 દિવસના અને બીજી વખત 4 દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી હતી. પોલીસે રિમાન્ડ દરમિયાન સમગ્ર ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન કરાવવા સહિત ગુનાને લગતી તપાસ હાથ ધરી હતી અને નરાધમોને કડકમાં કડક સજા થાય એવા પુરાવા એકત્ર કર્યા હતા. બીજી બાજુ સીટ દ્વારા વહેલામાં વહેલી તકે ચાર્જશીટ રજૂ કરવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને 17 દિવસમાં તમામ પુરાવા સાથે 6000 પાનાંની ચાર્જશીટ તૈયાર કરી 21મી ઓક્ટોબરે પોક્સો કોર્ટમાં દાખલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ કેસના આરોપીઓને કડકમાં કડક સજા અપાવવા માટે સરકાર દ્વારા શહેરના જાણીતા ધારાશાસ્ત્રી શૈલેષ પટેલ અને સુરતના સરકારી વકીલની નિમણૂક કરવામાં આવી છે.
વડોદરા તાલુકા પોલીસ મથકથી અઢી કિલોમીટર દૂર ભાયલી-બીલ રોડ વિસ્તારમાં નવરાત્રિના બીજા નોરતે એટલે કે 4 ઓક્ટોબરની રાત્રે 11.30 વાગ્યાના સુમારે સૂમસામ અંધકારમય રોડ ઉપર ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષની સગીરા અને તેનો 16 વર્ષનો મિત્ર બેસવા માટે ગયાં હતાં અને રાત્રે 12થી 1 વાગ્યાના સુમારે શરમજનક ગેંગરેપની ઘટના બની હતી. સગીરા અને તેનો મિત્ર પશ્ર્ચિમ વિસ્તારનાં રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ હતી.