કચ્છમાં સગીરા દુષ્કર્મ પ્રકરણમાં ચોંકાવનારા ખુલાસા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
માંડવી તાલુકાના ગોધરાની કિશોરીને ખોટુ નામ ધારણ કરી પ્રેમજાળમાં ફસાવ્યા બાદ દુષ્કર્મ આચરી નિકાહ કરવા ધર્માંતરણ કરવા માટે દબાણ કરનાર પુનાના આરોપીની પોલીસે અટકાયત કરી લીધા બાદ રિમાન્ડ દરમિયાન ચોકાવનારા ખુલાસા થયા છે. આરોપીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી 28 હિન્દુ અને ક્રિશ્ચન યુવતીઓને મેસેજ કરેલા હોવાનું સામે આવતા હવે સમગ્ર પ્રકરણ વ્યવસ્થિત સુઆયોજિત ષડયંત્ર હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે.જેમાં અન્ય ત્રણ આરોપીઓની પણ સંડોવણી હોવાનો પોલીસે ઘટસ્ફોટ કર્યો છે.
ભુજ સાયબર પોલીસ મથકે પુનાના આરોપી જીયાદ ઉર્ફે સમીર લતીફ શેખ વિરુદ્ધ દુષ્કર્મ, પોક્સો, ધર્મ પરિવર્તન અને એટ્રોસીટીની કલમો તળે ગુનો નોધાયો હતો.આરોપીએ પોતે જીગર નામ ધારણ કરી ગોધરાની કિશોરીને ટાર્ગેટ કરી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યો હતો.જે બાદ બન્ને વચ્ચે લગ્નની વાત આવતા આરોપીએ તેની ઓળખ છતી કરી પોતે જીગર નહિ પણ જીયાદ છે અને લગ્નને બદલે ધર્મ પરિવર્તન કરી નિકાહ કરવા માટે દબાણ કર્યો હતો.જે મામલે પોલીસે આરોપીની અટકાયત કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
આ મામલે તપાસ કરનાર એસસીએસટીસેલના ડીવાયએસપી એમ.જે.ક્રિશ્ચને જણાવ્યું કે,તપાસ દરમિયાન આરોપીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી 28 યુવતીઓને હાય લખીને મેસેજ કર્યો હતો.જેમાંથી 22 યુવતીઓ હિન્દુ અને 6 યુવતી ક્રિશ્ચન હોવાનું સામે આવ્યું છે.કેટલીક યુવતીઓએ આરોપીના મેસેજનો રીપ્લાય પણ આપ્યો હતો.આરોપીના મોબાઈલમાંથી મળેલી વિગતો પણ ચોકાવનારી છે.આ સમગ્ર ષડયંત્રમાં આરોપી સાથે અન્ય 3 જેટલા ઈસમો પણ સંડોવાયેલા હોવાની વિગતો મળી રહી છે.હાલ પોલીસે આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે અને અન્ય આરોપીઓને ઝડપી લેવા પણ ચક્રો ગતિમાન કરાયા છે.



