કથામૃત: ઉત્તરપ્રદેશની વતની અરુણીમાં સિંહા વોલિબોલ અને ફુટબોલની નેશનલ પ્લેયર હતી. તા. 11 એપ્રિલ, 2011ના રોજ અરુણીમાં પદ્માવતી એક્સપ્રેસ દ્વારા લખનૌથી દિલ્હી જઇ રહી હતી. જનરલ ડબ્બામાં ઘુસેલા કેટલાક ચોરનું ધ્યાન અરુણીમાંએ પહેરેલા સોનાના ચેઇન પર પડ્યું. ચેઇન ઝૂંટવવા ચોરમંડળીએ પ્રયાસ કર્યો અને અરુણીમાંએ એનો વિરોધ કરતા ચોરોએ અરુણીમાંને ચાલુ ટ્રેનમાંથી નીચે ફેંકી દીધી. બરાબર એ જ સમયે બાજુના ટ્રેક પરથી બીજી ટ્રેન પસાર થઈ.અરુણીમાંનો એક પગ ગોઠણ નીચેના ભાગથી કપાઇ ગયો અને બીજા પગના હાડકા બહાર આવી ગયા.અરુણીમાંએ મદદ માટે ખૂબ બૂમો પાડી પણ રાત્રીના અંધકારમાં એનો અવાજ લોકો સુધી પહોંચી જ નહોતો શકતો. આખી રાત એ પીડાથી કણસતી રહી. આંખે અંધારા આવી ગયા અને દેખાતું પણ બંધ થઈ ગયું. સવારે લોકોનું ધ્યાન પડતા એને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. અરુણીમાંને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. બધાં કહેતા હતા કે હવે આ છોકરી જીવન કેવી રીતે વિતાવશે ? હોસ્પિટલના બિછાને પડ્યા પડ્યા અરુણીમાંએ એક સંકલ્પ કર્યો, ‘મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે.’
જે લોકોએ આ વાત જાણી એ અરુણીમાંને ગાંડી ગણવા લાગ્યા. ચાર મહિના બાદ જ્યારે અરુણીમાંને હોસ્પિટલમાંથી રજા મળી તો એ ઘરે જવાને બદલે સીધી જ 1984મા માઉન્ટ એવરેસ્ટ સર કરનાર બચેન્દ્રીપાલની ઘરે પહોંચી. પોતાના સંકલ્પની બચેન્દ્રીપાલને વાત કરી. વાત સાંભળીને બચેન્દ્રીપાલની આંખો પણ ભીની થઈ ગઈ. એણે અરુણીમાંને કહ્યું, બેટા, તે મનથી તો એવરેસ્ટનું શિખર સર કરી જ લીધું છે, હવે તારે માત્ર દુનિયાને એ બતાવવાનું છે. ઘરે આવીને અરુણીમાંએ પર્વતારોહણની તાલીમ લેવાનું ચાલુ કર્યું. ખૂબ મુશ્કેલી પડે કારણ કે એક પગ નકલી હતો અને બીજા પગમાં સળીયા હતા. પણ હારીને બેસી જાય તો એ અરુણીમાં નહીં. અનેક સંઘર્ષોની વચ્ચે પણ એણે પ્રયાસો ચાલુ જ રાખ્યા. દુનિયામાં કોઇને વિશ્વાસ નહોતો કે અરુણીમાં એવરેસ્ટ સર કરી શકશે. અનેક મુશ્કેલીઓનો સામનો કરતા કરતા, મૃત્યુ સામે બાથ ભીડીને પણ આ ભડવીર નારીએ તા. 21મી મે, 2013ના રોજ માઉન્ટ એવરેસ્ટ સર કરીને હોસ્પિટલની પથારી પર જોયેલા સપનાને સાકાર કર્યું. લોકો મોઢામાં આંગળા નાંખી ગયા. ભારતની એક છોકરીએ અશક્યને શક્ય કરી બતાવ્યું. અને કોઇ વિકલાંગે એવરેસ્ટ સર કર્યું હોય એવી પ્રથમ ઘટનાનું માન મેળવ્યું. ત્યારબાદ અરુણીમાંએ વિશ્વના તમામ ઊંચા પર્વતો સર કરીને તીરંગો એ પર્વતો પર લહેરાવવાનો સંકલ્પ કર્યો અને પુરો પણ કર્યો. ભારત સરકારે દેશની આ શુરવીર દીકરીને પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત પણ કરી.
- Advertisement -
One who want his welfare-progress must reject these six bad habit of too much sleep, letharginess, fear, anger, laziness and tendency to prolong a certain job.
બોધામૃત
વિકલાંગતા શરીરથી નહીં, મનથી હોય છે. જે માણસ મનથી વિકલાંગ હોય એ શરીરથી ગમે તેટલો મજબૂત હોય તો પણ કંઇ ન કરી શકે અને જે માણસ મનથી મજબૂત હોય એને સફળ થતા કોઇ શારીરીક વિકલાંગતા ક્યારેય અટકાવી ન શકે.